લાંબા સમયથી ચાલતા બરોડા ડેરીના વિવાદનો અંત આવ્યો છે. અત્રે જણાવી દઈએ કે, સતિષ પટેલ બરોડા ડેરીના ચેરમેન બન્યા છે જ્યારે જે.બી.સોલંકી બરોડા ડેરીના ઉપપ્રમુખ બન્યા છે. બરોડા ડેરીના ચૂંટણી વિવાદને સુલજવા માટે પક્ષે વડોદરા શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયાને વિશેષ જવાબદારી સોંપાઈ હતી. ગોરધન ઝડફિયાએ વિશેષ જવાબદારી સુપેરે નીભાવી સમગ્ર વિવાદનો અંત આણ્યો છે.
જે.બી.સોલંકીએ જણાવ્યું કે, આજે મને અને સતિષભાઈને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બરોડા ડેરીની જવાબદારી સોંપી છે. તેમણે કહ્યું કે, અમે આ જવાબદારી બકુબીથી નીભાવીશું તેમણે વધુમાં કહ્યું કે, અમે પહેલાથી જ કહેતા હતા કે, જે પ્રકારનો મેન્ડેટ આવશે તે પ્રકારનો અનુસરીશું અને આ ચૂંટણી બિનહરિફ રીતે સંપન્ન થઈ છે.
તેમણે કહ્યું કે, અમે દૂધ ઉત્પાદકોના, મંડળીઓના સેવક છીએ અને સેવક તરીકે જ કામ કરીશું. બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પહેલાં લાંબો વિવાદ ચાલ્યો હતો. જેમાં ડેરીના ૧૦ ડિરેક્ટરોએ સતીષ નિશાળિયાનો ખુલીને વિરોધ કર્યો હતો. જે મામલે સતીષ નિશાળિયાના નામનો મેન્ડેટ આવશે તો બળવો કરશે તેવી ચર્ચા જાગી હતી અને પ્રદેશ ભાજપ પ્રમુખને મળી તમામ ૧૦ ડિરેક્ટરોએ પોતાની વાત રજૂ કરી હતી. જે બાદ સતિષ પટેલ બરોડા ડેરીના ચેરમેન બનાવાયા છે.