અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાત માટે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના પ્રારંભથી જ કડક પગલાં લેવાઈ રહ્યાં છે. અગાઉ માર્ચ એન્ડિંગના દિવસોમાં બાકી પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટર્સની મિલકતોને તાળાં લગાવવામાં આવતાં હતાં, જ્યારે હવે તંત્રની કડક નીતિ હેઠળ ડિફોલ્ટર્સની મિલકતો સામે સીલિંગ ઝુંબેશ ચલાવાઈ રહી છે. આ ઉપરાંત વારંવારની નોટિસ બજવણી અને સીલ મારવા છતાં પણ જાે ડિફોલ્ટર્સ બાકી ટેક્સ ભરપાઈમાં યોગ્ય પ્રતિસાદ ન આપે તો તેવા ડિફોલ્ટર્સની મિલકત સામે બોજા નોંધણી થઈ રહી છે, જે અંતર્ગત પૂર્વ ઝોનમાં વધુ છ મિલકતમાં કલેક્ટરના રેવન્યૂ રેકર્ડમાં બોજા નોંધ કરાઈ છે.
પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા સમયસર પ્રોપર્ટી ટેક્સની ચુકવણી ન કરનારા કરદાતાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિને આગળ ધપાવાઈ રહી છે. તંત્ર દ્વારા નવા નરોડાના ઉમા કોમ્પ્લેક્સ સામેના ઉમા કન્સ્ટ્રક્શન કો., નવા નરોડાના રઘુવીર એપાર્ટમેન્ટના સેલર-૫, નવા નરોડાના કઠવાડા રોડના હરિદર્શન કોમ્પ્લેક્સની મિલકત નંબર-૮, નિકોલના દિવ્યાપાર્કમાં પરીખ એગ્રો, નિકોલના પૂજન શોપિંગ મોલ પાસેના પૂજન ડેવલપર્સ, નિકોલની ન્યૂ ઈન્ડિયા કોલોનીના સુકેતુ કોમ્પ્લેક્સની બાજુના ત્રીજા માળે મિલકત નં.૭ના કબજેદાર સાગર ડેવલપર્સનો તંત્રના ચોપડે પ્રોપર્ટી ટેક્સ ભરાયો નથી.
આ પ્રોપર્ટી ટેક્સની બાકી રકમ રૂ.૯૮,૫૨૧થી રૂ.૭,૪૫,૦૨૨ સુધીની છે, જાેકે આ તમામ મિલકતધારકોને વારંવાર નોટિસ આપવા તેમજ સીલ મારવા છતાં પણ બાકી ટેક્સની ભરપાઈ કરાઈ નથી, જેના કારણે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા બોજા નોંધાવવાનો હુકમ કરાયો છે.તંત્ર દ્વારા આ તમામ છ મિલકત પર રેવન્યૂ રેકર્ડમાં બોજાે દાખલ કરાયો છે. જાે મિલકતનો ટેક્સ ભરાશે તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનઓસી અપાશે અને નહીં ભરાય તો રેવન્યૂ રેકર્ડમાં પાકી નોંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ ઝોનમાં વધુ ૬ મિલકત સહિત કુલ ૨૪ મિલકત પર કલેક્ટરના રેકર્ડમાં બોજા નોંધ થઈ ચૂકી છે. આ તમામ મિલકતના રૂ.૧.૨૯ કરોડના બાકી વેરાની વસૂલાત માટે તંત્રએ આકરાં પગલાં લીધાં છે. શહેરના તમામ સાત ઝોન પૈકી એકમાત્ર પૂર્વ ઝોનમાં ડિફોલ્ટર્સ સામે બોજા નોંધ કરવા જેવી કઠોર કાર્યવાહી કરવામાં આવી રહી છે.