રાજકોટના SGVP રીબડા ગુરુકુળમાં ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી કરતી વખતે વિદ્યાર્થી અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબના જણાવ્યા મુજબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સચોટ કારણ સામે આવશે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે, વિદ્યાર્થીને નાનપણથી હૃદયનો ભાર વધવાની બીમારી હતી. હૃદય વધુ ભારવાળું થયું હતું જેના કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ છે. જાેકે, સાચી હકીકત તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ-ગોંડલ રોડ પર રીબડા નજીક આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યોજાય તે પહેલા ધોરણ ૧૦માં અભ્યાસ કરતો મૂળ ધોરાજીનો દેવાંશ ભાયાણી અચાનક બેભાઈ થઈ ગયો હતો. જે બાદ તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મૃતક દેવાંશના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો છે. દરમિયાન જાણવા મળેલ કે, દેવાંશ ધોરાજીના સુપેડીના પાટીદાર ઉદ્યોગપતિ અને સીદસર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ભુપતભાઈ ગોરધનભાઈ ભાયાણીનો પૌત્ર છે. આ માહિતી મળતા જ કડવા પાટીદાર સમાજના આગેવાનો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા. ભુપતભાઈ ભૂમિ પોલીમર્સના સંચાલક છે અને સમાજમાં અગ્રહરોળમાં નામના ધરાવતા હોય કડવા પટેલ સમાજમાં આ બનાવથી ઘેરા શોકની લાગણી છવાઈ છે.
દેવાંશ પહેલાં બાલાચડી સૈનિક સ્કુલમાં અભ્યાસ કરતો હતો. તેમણે હજુ ત્રણ મહિના પહેલા જ રીબડા નજીક આવેલી શૈક્ષણિક સંસ્થામાં એડમીશન લીધું હતું અત્રે હોસ્ટેલમાં જ રહેતો હતો.
ગઈકાલે જ દેવાંશે તેમના પિતા વિન્ટુભાઈ સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમણે ટેસ્ટ પરીક્ષામાં કેટલા માર્કસ આવશે તે અંગે વાતચીત કરેલી. પિતાએ પુછયું કે, કેટલાં માર્કસ આવશે ત્યારે દેવાશે કહ્યું કે, એ તો રિઝલ્ટ આવે ત્યારે જ ખબર પડશે. જાે કે, તેના પિતાને પુત્રના માર્કસ અંગે સમાચાર મળે તે પહેલા જ તેના પરિવારને પુત્રની વિદાયના સમાચાર મળતા ભારે કલ્પાંત છવાયો છે.
દેવાંશ સવારે ઉઠી ગુરૂપૂર્ણિમા હોવાથી તે સ્પીચ આપવાનો હોવાથી વ્યવસ્થિત તૈયાર થયો હતો. મોબાઈલમાં પોતાનો ફોટો પાડી પિતાને ફોટો વોટસએપ કર્યો હતો અને પોતે પ્રાર્થના કાર્યક્રમમાં સ્પીચ આપવા ગયો હતો. પિતાને મોકલેલી તે તેની અંતિમ તસ્વીર હતી.
મૃતક દેવાંશ ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાનું તેમના પરિવારજનો અને નજીકના સગા-સંબંધીઓએ જણાવ્યું હતું. દેવાંશ ધો.૧૦માં અભ્યાસ કરતો હતો. તે તેમના પિતા વિન્ટુભાઈનો એકનો એક પુત્ર હતો. એકના એક પુત્રના મોતથી પિતા પર દુઃખનું આભ ફાટી પડયું હોય તેવી ગમગીની છવાઈ હતી.