માત્ર ગ્રામીણ વિસ્તારો જ નહીં પરંતુ મેટ્રો સિટીમાં પણ મહિલાઓ પરના અત્યાચારના કેસ ઓછા થઈ રહ્યા નથી. શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નિયમિત ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાતી રહે છે. હાલમાં જ આવી ઘટના નરોડા વિસ્તારમાં રહેતી મહિલા સાથે બની હતી. તેણે લગ્નના ૧૧ વર્ષ બાદ સંતાન ન થવાના કારણે શારીરિક અને માનસિક ત્રાસ આપતાં પતિ અને સાસરિયાં સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ૩૦ વર્ષીય નૈના (નામ બદલ્યું છે) સાબરકાંઠામાં આવેલી સરકારી પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે જ્યારે તેનો પતિ રાકેશ (નામ બદલ્યું છે) મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. બંનેના લગ્ન વર્ષ ૨૦૧૨માં થયા હતા. ભણવાનું ચાલુ હોવાથી નૈના મોટાભાગે પિયરમાં જ રહેતી હતી, આ દરમિયાન તેણે બેથી ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી અને તેમા પાસ ન થતાં સાસરિયાં સંભળાવતા હતા. પતિને ફરિયાદ કરવા પર તે પણ ગાળો આપતો હતો. લગ્નના આશરે ત્રણ વર્ષ બાદ સ્કૂલમાં નોકરી મળતાં તે સાસરિયાં સાથે રહેવા લાગી હતી. લગ્નને ઘણો સમય થયા બાદ તે મા ન બની શકતાં પતિએ તેને ડિવોર્સ આપી દેવાની ધમકી હતી તો સાસુ પણ વાંજણી કહીને બોલાવતી હતી. પતિની અવારનવાર ધમકીથી ડરી ગયેલી નૈના એક મહિનો પિયર રહેવા જતી રહી હતી અને સમાધાન થતાં ફરી સાસરે આવી હતી. નૈના અને સાસરિયાં વચ્ચે થોડા દિવસ માંડ બધું સરખું ચાલ્યું હતું. તેવામાં તેને એવા સમાચાર મળ્યા હતા જેનાથી તેના પર જાણે આભ તૂટી પડ્યું હતું. કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા પતિનું તેની સહકર્મી સાથે અફેર ચાલી રહ્યું હોવાનું તેને પતિનો મોબાઈલ ચેક કરતાં થઈ હતી. જ્યારે તેણે રાકેશને આ વિશે પૂછ્યું તો મનફાવે તેવી ગાળો બોલવા લાગ્યો હતો તેમજ માર પણ માર્યો હતો. તે ફરીથી ડિવોર્સની ધમકી આપવા લાગ્યો હતો. નૈનાએ પતિની પ્રેમિકાને પણ સમજાવવા માટે ફોન કર્યો હતો તો તે પણ તેની સાથે ગેરવર્ણતૂક કરવા લાગી હતી. ૨૯ મે ૨૦૨૩ના રોજ પતિની પ્રેમિકાએ નૈનાને બંને વચ્ચે લિવ-ઈનને લઈને થયેલા કોન્ટ્રાક્ટના ફોટો મોકલ્યા હતા. ૫ જૂનના રોજ નૈના ઘરે હતી ત્યારે રાકેશ આવ્યો હતો અને ‘હું તારી સાથે રહેવા નથી માગતો, મેં તને જે પૈસા આપ્યા હતા તે પાછા આપી દે’ તેમ કહી ઝઘડો કર્યો હતો અને રસોડામાં ચપ્પુ લઈ આવી તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતથી ડરી ગયેલી નૈનાએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો. તે વખતે રાકેશે તે આપઘાત કરી લેશે તેવી ધમકી આપી હતી. આ ઘટના બાદ નૈના ફરી પિયર રહેવા જઈ રહી હતી અને પતિ, સાસુ, સસરા, નણંદ તેમજ પતિની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.