મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને અજીત કેમ્પના નેતા છગન ભુજબળને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમની ઓફિસમાં ફોન કરીને આ ધમકી આપવામાં આવી હતી. ધમકી આપનાર વ્યક્તિએ ભુજબળની ઓફિસે ફોન કરીને કહ્યું કે તેને ભુજબળને મારી નાખવાના આદેશ મળ્યા છે. પોલીસે આ કેસમાં એક શખ્સની ધરપકડ કરી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભુજબળની ઓફિસમાં હાજર પીએએ ધમકીનો ફોન રિસીવ કર્યો હતો. આ દરમિયાન ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે તેને ભુજબળને મારી નાખવાના આદેશ મળ્યા છે. ભુજબળની ઓફિસમાંથી મળેલી ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી જેના બાદ પોલીસે પ્રશાંત પાટીલની મહાડ, પુણેથી ધરપકડ કરી હતી. સ્થાનિક માહિતી પ્રમાણે આરોપી કોલ્હાપુરનો રહેવાસી છે અને નાશિકથી પૂણે જતી વખતે તેણે ભુજબળની ઓફિસમાં ફોન કરીને ધમકી આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે તેણે ફોન કર્યો ત્યારે તે દારૂના નશામાં હતો. આ ધમકી મળતા જ ભુજબળ અને તેમની ઓફિસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ડીસીપી અમોલ જેંડેએ પ્રશાંત પાટીલની ધરપકડની પુષ્ટિ કરી છે.એનસીપી નેતા અજિત પવારે ૨ જુલાઈના રોજ તેમના કાકા શરદ પવાર સામે બળવો કર્યો અને મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ દરમિયાન તેમની સાથે છગન ભુજબળ સહિત ૮ ધારાસભ્યોએ શપથ લીધા હતા. આ પછી એનસીપીને લઈને અજિત પવાર અને શરદ પવાર વચ્ચે તકરાર ચાલી રહી છે. બંને પક્ષોએ પોતાને વાસ્તવિક એનસીપી હોવાનો દાવો કર્યો છે. અજિત પવારનો દાવો છે કે તેમની પાસે એનસીપીના ૫૩માંથી ૪૦ ધારાસભ્યોનું સમર્થન છે.