છેલ્લા કેટલાક સમયથી જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જીરુના ઉંચા ભાવ મળી રહ્યા છે. જીરૂના રેકોર્ડ બેક ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જાેવા મળી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે જામનગર, ખંભાળિયા અને જામજાેધપુર સહિતના માર્કેટયાર્ડમાં જીરાના ભાવ નિતનવા ઇતિહાસ રચી રહ્યા છે. ત્યારે આજે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ઇતિહાસમાં ક્યારેય ન થયા હોય તેવા જીરુંના મણદીઠ ઐતિહાસિક ભાવ ૧૧, ૮૦૦ નોંધાતા ખેડૂતોમાં આનંદની હેલી જામી હતી.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરના ભાવની વાત કરવામાં આવે તો જીરૂના સૌથી નીચા ભાવ ૯,૫૦૦ થી સૌથી ઊંચા ભાવ ૧૧,૮૦૦ નોંધાયા હતા. જએ હાપા માર્કેટિંગ યાર્ડના ઇતિહાસના ઓલ ટાઈમ ભાવ છે. આ મામલે હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઇ પટેલે જણાવ્યું હતું કે આજે યાર્ડમાં ૧૩૮ ખેડૂતો જીરૂનો પાક લઈ અને વેચવા માટે આવ્યા હતા. પરિણામે યાર્ડમાં ૧૬૫૯ ગુણી એટલે કે ૪,૯૭૭ મણની આવક થવા પામી હતી. આમ ૧૧,૮૦૦ રૂપિયા જેટલો અગાઉ ક્યારેય ન મળ્યો હોય તેવો ભાવ મળતા ખેડૂતો ગેલમાં આવી ગયા હતા. મહત્વનું છે કે છેલ્લા અઠવાડિયાથી જીરુંના ભાવમાં આગ ઝરતી તેજી જાેવા મળી રહી છે. પરિણામે દિવસેને દિવસે જીરુંના ભાવમાં ૫૦૦ થી લઈને હજાર રૂપિયા સુધીનો વધારો નોંધાઈ રહ્યો છે. આમ સારું વળતર મળતા ખેડૂતો પણ જીરુંના વાવેતર પ્રત્યે પ્રોત્સાહિત થાય તેવા સંજાેગો વર્તાઈ રહ્યા છે. બીજી બાજુ આજે હાપા માર્કેટિંગ યાર્ડમાં કુલ ૪૧૯ ખેડૂતો પોતાની અલગ અલગ જાણશો વેચવા આવ્યા હતા. જેનેં લઈને આજની તારીખમાં યાર્ડમાં ૨૭,૦૮૫ મણ જેટલી જણસો થલવાઈ હતી.