શાહરૂખ ખાનની ફિલ્મ જવાનના ટીઝરની ચાહકો ઘણા સમયથી રાહ જાેઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મનું ટીઝર ૧૦ જુલાઈએ રિલીઝ થશે. ટીઝર પહેલા મેકર્સે ચાહકોને એક મોટી ભેટ આપી છે. હા, શાહરૂખની ‘જવાન’નો પ્રીવ્યૂ રીલિઝ થઈ ગયો છે, જેણે દરેકને ઉત્સાહિત કરી દીધા છે. આ પ્રીવ્યૂમાં શાહરૂખ ખાન એક સીનમાં પોતાના ચહેરા અને માથા પરની પટ્ટીઓ ખોલતો જાેવા મળે છે અને પછી જ્યારે તેનો બાલ્ડ લુક સામે આવે છે, ત્યારે તે એકદમ ખતરનાક દેખાય છે. પ્રિવ્યૂ જાેઈને અંદાજાે લગાવી શકાય છે કે ‘જવાન’માં શાહરૂખ ખાનનું પાત્ર કેવું ભયાનક હશે. ફિલ્મના પોસ્ટરોએ પહેલા જ ધૂમ મચાવી દીધી હતી. પોસ્ટરમાં શાહરૂખ સંપૂર્ણપણે પટ્ટીમાં લપેટાયેલો જાેવા મળ્યો હતો. શાહરૂખ ખાન જવાનમાં દમદાર ડાયલોગ્સ આપતા જાેવા મળશે, જે પ્રિવ્યુમાં પણ દેખાય છે.
શાહરૂખનો એક ડાયલોગ છે, ‘જ્યારે હું ખલનાયક બની જાઉં છું, ત્યારે મારી સામે કોઈ હીરો ટકી શકતો નથી.’ તે ખૂબ જ શક્તિશાળી છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ ખાસ ભૂમિકામાં છે. ‘જવાન’ના પ્રિવ્યૂમાં તે લાલ સાડીમાં એક્શન કરતી જાેવા મળે છે. જ્યારે નયનથારા પોલીસ ઓફિસરના રોલમાં છે. પ્રીવ્યૂમાં મેટ્રોની અંદર એક સીન છે જ્યાં યુનિફોર્મમાં શાહરૂખ ડાન્સ કરી રહ્યો છે, જ્યારે તેમાં બેઠેલા લોકો શાહરૂખને જાેઈને ગભરાઈ ગયા છે. શાહરૂખનો આ વિલન અવતાર ખરેખર ચોંકાવનારો છે. આ વર્ષે મે મહિનામાં ફિલ્મના મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. આ અપડેટની જાહેરાત મોશન પિક્ચર સાથે કરવામાં આવી હતી. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે. તેનું નિર્માણ ગૌરી ખાને કર્યું છે. જવાનનું નિર્દેશન એટલી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં શાહરૂખ ખાનનો ડબલ રોલ છે. તેમાં નયનથારા, પ્રિયામણિ, સુનીલ ગ્રોવર અને વિજય સેતુપતિ પણ જાેવા મળશે. આશરે રૂ. ૨૨૦ કરોડના બજેટમાં બનેલી, ‘જવાન’ મૂળ હિન્દીમાં બનાવવામાં આવી છે, પરંતુ સમગ્ર ભારતમાં અન્ય ભાષાઓમાં પણ રિલીઝ થશે. જવાન ૭ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને રિદ્ધિ ડોગરા પણ છે.