રાજ્યમાં મેઘરાજાએ ધરબડાટી બોલાવી દીધી છે. છેલ્લા ૨૨ કલાકમાં કુલ ૧૮૯ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ત્યારે જુનાગઢના વિસાવદર તાલુકામાં ૧૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે જામનગર તાલુકામાં ૧૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છના અંજાર તાલુકામાં ૧૦ ઇંચ વરસાદ પડ્યો હતો. આ ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જ્યારે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શુક્રવારે મોડી રાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. મોડી રાત્રે અહીં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, રાહત કમિશનર આલોક પાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા. હવામાન વિભાગ પાસેથી મળેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૨ કલાક એટલે શુક્રવારની સવારે ૬ વાગ્યાથી આજે સવારે ૪ વાગ્યા સુધીમાં ૧૮૯ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જુનાગઢના વિસાવદર તાલુકામાં ૧૪. ૯૨ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગર તાલુકામાં ૧૦.૭૬ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે કચ્છના અંજાર અને વલસાડના કપરાડાના તાલુકામાં૯ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, જુનાગઢના ભેસાણ અને અમરેલીના બગસરામાં ૭ ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. આ સાથે વલસાડના ધરમપુર, વઘઇ અને ડાંગ-આહવામાં ૬ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. મળતા આંકડા પ્રમાણે, તાપીના વ્યારા, જુનાગઢના શહેરમાં, વલસાડ, વંથલી, રાજુલા, બરવાળા, જામકંડોરળા, વાસંદા, ચીખલીમાં ૪ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં જૂન મહીનાનાં અંતિમ દિવસે ધોધમાર વરસાદ પડ્યો હતો. હજુ જુલાઇ મહિનામાં પણ આ વરસાદ ચાલુ જ રહેશે એવી શક્યતા છે. હવામાન વિભાગે વરસાદને લઈને મોટું અપડેટ આપ્યું છે. નવા અપડેટ પ્રમાણે કચ્છ, દ્વારકા, જામનગર અને જૂનાગઢમાં સવાર સુધી વરસાદનું રેડ એલર્ટ છે. ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, કચ્છ, દ્વારકા, જામનગર અને જૂનાગઢમાં ૮-૮ ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબકી શકે છે. જ્યારે ૯ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. જ્યાં ૪થી લઈને ૮ ઈંચથી સંભાવના છે. પોરબંદર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ૮ ઈંચ સુધી વરસાદ ખાબકી શકે છે.