કર્ણાટકના બેલગામ જિલ્લામાં જૈન મુનિની હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મુનિ કામકુમાર નંદી મહારાજ બુધવારથી ગુમ હતા. ગુરુવારે જ ભક્તોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ કિસ્સો જિલ્લાના ચિક્કોડી વિસ્તારનો છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરીને શંકાસ્પદની પૂછપરછ કરી હતી. તેઓએ જૈન મુનિની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું કે, આ કેસમાં અન્ય એક વ્યક્તિ સામેલ છે. ત્યારબાદ પોલીસે બંનેની ધરપકડ કરી છે.
આચાર્ય શ્રી કમકુમાર નંદી મહારાજ છેલ્લા ૧૫ વર્ષથી બેલગાવી જિલ્લાના ચિક્કોડી તાલુકાના હિરેકોડી ગામમાં સ્થિત નંદીપર્વત આશ્રમમાં રહેતા હતા. આ દરમિયાન ગુરુવારે આચાર્ય કમકુમારાનંદી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભીમપ્પા ઉગરેએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે જૈન મુનિ ગુમ થઈ ગયા છે.
ચિક્કોડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શંકાના આધારે બે લોકોની અટકાયત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, જૈન મુનિ કમકુમાર નંદી મહારાજની હત્યા કરી નાખવામાં આવી છે. હાલ પોલીસે જૈન મુનિ કામકુમાર નંદી મહારાજના મૃતદેહની શોધખોળ શરૂ કરી છે.
આરોપીઓ પોલીસને સ્પષ્ટ માહિતી નથી આપ્યા રહ્યા કે, તેઓએ જૈન મુનિની હત્યા ક્યાં કરી અને તેમની લાશ ક્યાં ફેંકી? એક વાત સામે આવી રહી છે કે, જૈન મુનિના મૃતદેહના ટુકડા કરી કટકાબાવી ગામ પાસે ફેંકી દેવામાં આવ્યા હતા. બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે, લાશને કપડામાં લપેટીને નદીમાં ફેંકી દેવામાં આવી હતી. આ ઈનપુટના આધારે પોલીસે શુક્રવારે મધરાત સુધી કટકાબાવી ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
જૈન મુનિ કમકુમાર નંદીના મૃતદેહની શોધ આજે પણ ચાલુ છે. પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ આશ્રમમાંથી જૈન મુનિનું અપહરણ કરીને તેની હત્યા કર્યાની કબૂલાત કરી છે. હાલ હિરેકોડી ગામના નંદી પર્વત આશ્રમમાં શોકનો માહોલ છે. સાવચેતીના ભાગરૂપે ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.