ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હાલ ભયંકર વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં પણ વરસાદે તબાહી સર્જી છે. અનેક રસ્તાઓ અને પુલ તૂટી ગયા છે. જેના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. અનેક ગુજરાતીઓ સહિત પર્યટકો અને અમરનાથ યાત્રા તથા ચાર ધામની યાત્રાના શ્રદ્ધાળુઓ ફસાયા છે. ઉત્તરાખંડમાં મંગળવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ, ભૂસ્ખલન અને મોટા મોટા પથ્થરો પહાડો પરથી ઘટનાઓ બની ચૂકી છે. ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં ૮ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જેમાં મધ્ય પ્રદેશથી ગંગોત્રી દર્શન કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. જાે કે, હાલ હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં વરસાદે થોડી રાહત આપી છે. જેના કારણે સ્થાનિક તંત્રને રાહત અને બચાવ કાર્ય તથા રોડ રસ્તાના સમારકામ માટે મંજૂરી પણ મળી ગઈ છે. ભારે વરસાદના કારણે મગળવારે વધુ ૨૧ લોકોનાં મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો છે. એક્સીડન્ટ, ભૂસ્ખલન અને પૂરના કારણે ગઈ ૮ જુલાઈથી અત્યાર સુધીમાં કુલ ૯૧ લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
બીજી તરફ, પંજાબમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. પંજાબમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. સતુલજ નદીમાં પાણી છોડવામાં આવતા તે બંને કાંઠે વહી રહી છે. યુપીના આગ્રા અને પ્રયાગરાજ સહિતના કેટલાંક વિસ્તારોમાં પૂરનુ અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. કારણ કે યમુના અને ગંગા નદીમાં પાણીનું સ્તર પણ ખૂબ જ વધ્યું છે. બીજી તરફ, ઉત્તરકાશી જિલ્લાના ગંગનાનીમાં હાઈવે પર ભૂસ્ખલન થતા મોટો પથ્થર પડ્યો હતો. આ પથ્થરે એક મિની બસને કચડી નાખી હતી. આ બસમાં મધ્ય પ્રદેશના દેવાસના યાત્રાળુઓ હતા અને તેમનો ડ્રાઈવર હરિયાણાનો હતો. જેઓ ગંગોત્રી મંદિરથી સોમવારે રાત્રે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. તેઓનાં આ ઘટનામાં મોત નીપજ્યા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનામાં અન્ય કેટલાંક લોકો પણ ઘાયલ થયા હતા. જાેઓને ઋષિકેશની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉત્તર
ભારતમાં વરસાદે જાેરદાર તબાહી મચાવી હતી. જેના કારણે અત્યાર સુધીમાં ૯૧ લોકોનાં મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર ભારતમાં હાલ અમરનાથ યાત્રા, ચાર ધામ યાત્રા ચાલી રહી છે. જેના કારણે ગુજરાતીઓ સહિત સમગ્ર દેશમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટ્યા છે. તો કેટલાંક પર્યટકો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ફરવા માટે આવ્યા છે. ત્યારે શ્રદ્ધાળુઓ સહિત પર્યટકો પણ ફસાયા છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદ બાદ અહીં ભૂસ્ખલન અને પહાડો પરથી પથ્થરો પડવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. મંગળવારે ગંગોત્રી હાઈવે પર ભૂસ્ખલન થતા પહાડો પરથી મોટા મોટા પથ્થરો રગડતા ત્રણ વાહનોને કચડી નાખ્યા હતા.
જેના કારણે ચાર લોકોનાં મોત થયા હતા. ઉત્તર ભારતમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવી ઘટનાઓના કારણે અનેક રસ્તાઓ તબાહ થઈ ચૂક્યા છે. ૮૦૦થી પણ વધુ રસ્તાઓને નુકસાન થયુ છે. કેટલાંય પુલો તૂટી ગયા છે. ઠેર ઠેર નુકસાન થયું હોવાથી રાજ્યને કરોડોનું નુકસાન થયું છે. બીજી તરફ, અહીં અનેક લોકો ફસાયા છે. કેટલાંય મકાનો પણ તૂટી ગયા હોવાના અહેવાલ મંગળવારે સામે આવ્યા હતા. જેના કારણે સ્થાનિકો સહિત અહીં ફરવા કે દર્શન કરવા માટે કે પછી ટૂરમાં આવેલા અસંખ્ય લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.