અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. અહેવાલ અનુસાર, બાલ્ટીમોર શહેરમાં રવિવારે એક પાર્ટીમાં થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા હતા અને અન્ય ૨૮ લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોમાંથી ત્રણની હાલત ગંભીર છે.
બાલ્ટીમોર પોલીસ વિભાગના કાર્યકારી કમિશનર રિચર્ડ વર્લીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ઘટનાસ્થળે કુલ ૩૦ પીડિતો હતા. તેમણે કહ્યું કે શહેરના દક્ષિણ ભાગમાં બ્રુકલિન હોમ્સ વિસ્તારમાં એક બ્લોક પાર્ટીમાં રાત્રે ૧૨ઃ૩૦ વાગ્યા પછી આ ગોળીબાર થયો હતો.
ગોળીબારની આ ઘટના અમેરિકામાં ચોથી જુલાઇની રજા પહેલા દેશભરમાં એકઠા થવા વચ્ચે બની છે. અમેરિકામાં ૪ જુલાઈના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. બાલ્ટીમોર પોલીસ કમિશનર વર્લીએ જણાવ્યું હતું કે ગોળીબારનો ભોગ બનેલા ૨૦ લોકો જાતે જ નજીકની હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જ્યારે ૯ને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, મેડસ્ટાર હાર્બર હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ૧૯ પીડિતોની સારવાર કરવામાં આવી હતી. ગંભીર રીતે ઘવાયેલા નવ દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાથી તેમને બાલ્ટીમોર ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.
બાલ્ટીમોર મેયર બ્રાન્ડન સ્કોટે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ફરાર હુમલાખોરોને ખુલ્લી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે જ્યાં સુધી અમે હુમલાખોરોને શોધી નહીં લઈએ ત્યાં સુધી ઝંપીશું નહીં.
સ્કોટે લોકોને હુમલાખોરો વિશે માહિતી શેર કરવાની અપીલ કરી છે. હાલ આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.