દારૂબંધીના કડક કાયદાના અમલીકરણ બાદ પણ અમદાવાદ સહિત ગુજરાતમાં બિનધાસ્ત દારૂનો ધંધો ચાલી રહ્યો છે. બુટલેગર અલગ અલગ મોડસ ઓપરેન્ડી વાપરીને રોજ લાખો, કરોડો રૂપિયાનો દારૂ રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશથી લાવી રહ્યા છે. કેટલાક બુટલેગર દારૂ લાવવામાં સફળ થઇ જાય છે ત્યારે કેટલાક બુટલેગર પોલીસ તેમજ એજન્સીઓના હાથે ઝડપાઇ જાય છે. એક તરફ સ્ટેટ મોનિટરિંગ બુટલેગરના ઇરાદા પર પાણી ફેરવી રહ્યું છે ત્યારે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ મેદાનમાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગઇ કાલે ૧૭ લાખના દારૂના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે. સોનીની ચાલી પાસે દારૂ ભરેલી ટ્રક આવી હતી. જે ખાલી થાય તે પહેલાં ક્રાઇમ બ્રાંચ ફિલ્મી સ્ટાઇલથી ત્રાટકી હતી. ક્રાઇમ બ્રાંચે કુલ ૪૪૮૮દારૂની બોટલ જપ્ત કરી છે. જ્યારે અમદાવાદમાં ક્યા ક્યા બુટલેગરને દારૂનો જથ્થો આપવાનો હતો તે શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. ક્રાઇમ બ્રાંચે કુલ ૨૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બીજા રાજ્યમાંથી જ્યારે દારૂનો જથ્થો અમદાવાદમાં આવતો હોય છે ત્યારે દારૂ લાવનાર ડ્રાઇવરને પણ ખબર હોતી નથી કે કઇ જગ્યા પર જથ્થો પહોંચાડવાનો છે. ડ્રાઇવર જ્યારે દારૂ ભરેલી ટ્રક લઇને આવે ત્યારે તે નિયત કરેલી જગ્યા પર ઊભો રહે છે. ડ્રાઇવર તેના ઠેકેદારને ફોન કરીને પહોંચી ગયો હોવાની માહિતી આપે છે ત્યારબાદ ઠેકેદાર બુટલેગરને ફોન કરીને માહિતી આપે છે. બુટલેગરનો સાગરીત જેને ટ્રક ચલાવતાં આવડતી હોય છે તેને મોકલે છે. સાગરીત ડ્રાઇવર પાસેથી ટ્રક લઇ લે છે અને પોતાની નિયત કરેલી જગ્યા પર લઇને આવે છે. દારૂની ટ્રક આવતાં નાના નાના બુટલેગરને દારૂ લેવા માટે બોલાવી લેવાય છે. ગઇ કાલે ઓઢવ શ્રીરામ એસ્ટેટમાં દારૂ ભરેલી ટ્રક આવીહતી. જેમાં બુટલેગર દારૂ લેવા માટે પહોંચે તે પહેલાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.ડી.પરમાર અને તેમની ટીમ ત્રાટકી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે ગોવિંદ રાવત અને ઇમરાનખાન પઠાણ નામના બે બુટલેગરની ધરપકડ કરી છે જ્યારે ફુરકાનબેગ મીરજા ફરાર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ફુરકાનબેગ મીરજાએ દારૂનો જથ્થો મગાવ્યો હતો. જે ક્રાઇમ બ્રાંચને જાેઇને નાસી છુટ્યો હતો. બાપુનગરના બુટલેગર ઇમરાન પહેલવાને પોતાના સાગરીત ઇમરાનખાન પઠાણને દારૂ લેવા માટે મોકલ્યો હતો. ક્રાઇમ બ્રાંચે હાલ ગોવિંદ રાવત, ઇમરાનખાન પઠાણ, સહિત પાંચ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જ્યારે ક્રાઇમ બ્રાંચે દરોડા પાડ્યા ત્યારે ડ્રાઇવર ગુમ હતો. જેથી એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ફુરકાનબેગે પોતાના સાગરીતને મોકલીને ટ્રક શ્રીરામ એસ્ટેટમાં મગાવી હતી. ફુરકાનની ધરપકડ બાદ ઘણાં બુટલેગરનાં નામ સામે આવે તેવી શક્યતા છે જ્યારે ક્યા ઠેકેદાર પાસેથી દારૂ ખરીદ કર્યો હતો તેની પણ જાણકારી મળી જશે. ફુરકાન દારૂ ઉતારવા માટે રોજ અલગ અલગ જગ્યા બદલતો હતો. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ફુરકાનને તેના સાગરીતો ઉપર પણ વિશ્વાસ ન હતો..
ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે નાના ચિલોડા સર્કલ પાસેથી મહિન્દ્રાની એક વ્હાઇટ કાર પસાર થવાની છે જેમાં દારૂનો જથ્થો ભરેલો છે. ક્રાઇમ બ્રાંચની ટીમે કારનો પીછો કર્યો અને તેને સાઇડમાં ઊભા રહેવા માટેનો ઇશારો કર્યો હતો. પોલીસને જાેઇને ચાલકે કાર પુરઝડપે ચલાવી હતી. જેમાં ક્રાઇમ બ્રાંચે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. રોડ પર ફિલ્મી દ્રશ્ય સર્જાતાં ચાલક રામરાજ્યનગરની ચાલીમાં કાર લઇ ગયો હતો. ક્રાઇમ બ્રાંચ પણ સતત પીછો કરતાં ચાલક પોતાની કાર મૂકીને નાસી છુટ્યો હતો. ક્રાઇમ બ્રાંચે કારની પાસે જઇને જાેયું તો તેમાં દારૂની બોટલો હતી. કારને ખોલીને જાેતાં તેમાંથી ૩૯૬ દારૂની બોટલ મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચે કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.