અમદાવાદ મધ્યસ્થ જેલમાં એક વિચિત્ર ઘટના બની છે. પોક્સો કેસનો આરોપી ભેદી રીતે ગુમ થયો છે. સેશન્સ કોર્ટે જામીન આપ્યા બાદ પરિજનો બીડું લઈને પહોંચે તે પહેલા જ આરોપી ગાયબ થયો હતો. આરોપીના પરિજનો બે કલાકથી વધુ સમય જેલમાં બેઠા હોવા છતાં કોઈ જવાબ નહીં મળ્યો અંતે જેલ પ્રશાસને આ બાબતે હાથ અધ્ધર કર્યા.
કોઈપણ બે પોલીસ અધિકારી આવીને આરોપીને લઈ ગયા હોવાની જેલ પ્રશાસન દ્વારા આરોપીના પરિવારજનોને જાણ કરાઈ. પરિજનો આરોપીની ભાળ લેવા વાડજ પોલીસ સ્ટેશન પહોંચ્યા. વાડજ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પરિજનોને તેમના વકીલ સાથે આવવા જણાવ્યું હતું. આરોપીના વકીલ પ્રિતેશ શાહ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરતા આવા કોઈપણ આરોપીને પોલીસ સ્ટેશન ન લાવ્યા હોવાની વાત કહી હતી.બીજી તરફ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આરોપીના પરિવારજનોને કહ્યું કે આરોપી અહીંયા જ છે પરંતુ તેમને કોઈ પણ વાતચીત કરવા દેવામાં નહીં આવે. આ સમગ્ર ઘટના દરમ્યાન આરોપી જ્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય તો કોર્ટના હુકમ વગર કેવી રીતે આરોપીને છોડ્યો તે ગંભીર સવાલ છે. ૧૯ વર્ષના છોકરાને ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યા હોવાનો આરોપીના વકીલનો દાવો છે.