શુક્રવારે લોકસભાની કાર્યવાહી ભારે હોબાળા સાથે શરૂ થઇ હતી. જેના પરિણામે બિલ રજૂ કરવા પહોંચેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નારાજ થઈ ગયા હતા. તેમણે આગળની ખુરશી છોડી પાછળ જવાનો ર્નિણય કર્યો. અગાઉ સ્પીકર ઓમ બિરલા પણ સત્તાપક્ષ અને વિપક્ષના વર્તનને લીધે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા હતા. તેમણે તો ગૃહમાં આવવાનો જ ઈનકાર કરી દીધો હતો.

લોકસભામાં બિલ અંગે વાત રજૂ કરવાની તૈયારી કરી રહેલા રાજનાથ સિંહ બોલવા જ જતા હતા અને વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવી દીધો. નોબત એવી આવી ગઇ કે સાંસદ વેલમાં આવીને હોબાળો કરવા લાગ્યા. આ દરમિયાન સંરક્ષણ મંત્રીને જ્યારે બિલ રજૂ કરવા કહેવાયું તો તેમણે સ્પીકર પાસે પાછળ જતા રહેવાની પરવાનગી માગી. સિંહે કહ્યું કે મહોદય ભારે હોબાળો થઈ રહ્યો છે. તમે મંજૂરી આપો તો પાછળ જઈને મારી વાત કહું.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે મહોદય આવી સ્થિતિમાં મારી તરફથી વિચાર કરવો સંભવ નથી. હું અહીં નહીં બોલી શકું. તેમણે ડેપ્યુટી સ્પીકર રાજેન્દ્ર અગ્રવાલ પાસે પાછળ જઈને બોલવાની મંજૂરી માગી. રાજનાથ સિંહે આંતર-સેવા સંગઠન (કમાન્ડ, નિયંત્રણ અને શિસ્ત) બિલ, ૨૦૨૩ રજૂ કર્યું હતુંઅને તે લોકસભામાં પસાર થઈ ગયું. તેમણે કહ્યું કે આ બિલ સૈન્ય સુધારાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

Share.
Exit mobile version