સુરતમાં ડાયમંડ બુર્સના ઉદ્ધાટનનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ચુક્યું છે. મહત્વનુ છે કે અગાઉ હીરા બુર્સની મેનેજિંગ કમિટીના સભ્યો નવી દિલ્હી જઇને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને ઉદ્‌ઘાટનમાટે તારીખ માંગવામાં આવી હતી.
દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દુનિયાનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડીંગ હબ એટલે સુરત ડાયમંડ બુર્સ જેના ઉદ્ધાટન માટે આજે સાંસદ સી.આર.પાટીલ, ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણી, ગોવિંદભાઈ, નાગજીભાઈ,લાલજીભાઈ,ઈશ્વરભાઈ નાવડિયા, અરવિંદ ભાઈ ધાનેરા, મથુર ભાઈ સવાણી સહિતના આગેવાનો ભેગા થઈને પીએમ નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને ડાયમંડ બુર્સના ઉદ્ધાટન માટેની તારીખ માંગવામાં આવી હતી. જેની આખરે તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી ૧૭ ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બુર્સ ખૂલ્લું મૂકાશે.
સહકારી ધોરણે રૂ.૩૪૦૦ કરોડના અંદાજિત ખર્ચે સુરતના ખજાેદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત હીરા બુર્સના ઉદ્‌ઘાટનની તારીખ ફાઇનલ થઇ ગઇ છે. સુરત હીરા બુર્સના ચેરમેન,કિરણ જેમ્સના વલ્લભભાઇ એસ. લાખાણીએ જણાવ્યું હતું કે ગઇ તા.૨ ઓગસ્ટે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલના પ્રયાસોથી હીરા બુર્સનું ડેલિગેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરું મળ્યા હતા.

ત્યારે ૧૭ અને ૨૪ ડિસેમ્બર એમ બે પૈકી એક તારીખ ઉદ્‌ઘાટન માટે નિશ્ચિત કરવાની હતી. એ પછી સુરત હીરા બુર્સની મળેલી કમિટી મિટીંગમાં નક્કી થયા મુજબ તા.૧૭મી ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સુરત હીરા બુર્સનું ઉદ્‌ઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.વલ્લભભાઇ લાખાણીએ વધુમાં જણાવ્યું હતું કે ઉદ્‌ઘાટન સમારોહ ભવ્યાતિભવ્ય રીતે યોજવામાં આવશે. આ પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, ગણ્યમાન્ય વ્યક્તિઓને ખાસ આમંત્રિત કરીને સુરત હીરા બુર્સના ઉદ્‌ઘાટન સમારોહમાં સહભાગી કરવામાં આવશે. ઉદ્‌ઘાટન સમયે ૪૨૦૦ પૈકી વધુમાં વધુ ઓફિસો કાર્યરત થઇ જાય એ માટે હાલ યુદ્ધસ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હીરા બુર્સમાં હીરા ઉદ્યોગપતિઓને જરૂરી તમામ સેવા સુવિધાઓ જેવી કે વેલ્યુશન, વજન, સર્ટિફિકેશન, બોઇલિંગ સહિતની સુવિધાઓ પણ હિરા બુર્સમાં જ ઉપલબ્ધ બની જશે. આ ઉપરાંત હીરા બુર્સ સંકુલમાં જ સ્ટેશનરી, હીરા ઉદ્યોગને લગતા ટુલ્સ એન્ડ ઇક્વીપમેન્ટ્‌સ, ઓફિસ સ્ટેશનરી વગેરેની સુવિધાઓ પણ ઉદ્‌ઘાટન પહેલા બુર્સમાં કાર્યરત કરી દેવામાં આવશે.

Share.
Exit mobile version