જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પર સુરક્ષા દળો પોતાની પકડ વધુ કડક કરી રહ્યા છે. વિદેશી (પાકિસ્તાની) અને સ્થાનિક આતંકવાદીઓ સતત એન્કાઉન્ટરમાં માર્યા જાય છે. ગયા વર્ષે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૯૧ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ વર્ષે ૨૦ જુલાઈ સુધી ૩૫ આતંકવાદીઓ સુરક્ષા દળોની ગોળીઓના નિશાન બન્યા છે. ખાસ વાત એ છે કે તેમાં ૨૭ વિદેશી અને ૮ સ્થાનિક આતંકવાદીઓ સામેલ છે. જમ્મુ-કાશ્મીરમાં ૭૧ ‘પાકિસ્તાની’ આતંકવાદીઓ હાજર છે. સેના અને અન્ય સુરક્ષા દળોનો દાવો છે કે તાજેતરમાં કોઈ મોટી ઘૂસણખોરી થઈ નથી. ઘાટીમાં સક્રિય પાકિસ્તાની આતંકવાદીઓ ઉપરાંત ૩૮ સ્થાનિક આતંકવાદીઓ પણ હાજર છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો સ્થાનિક આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરે છે. આતંકવાદીઓ દ્વારા આત્મસમર્પણના કિસ્સાઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે ૨૦૧૮માં એક, ૨૦૧૯માં એક પણ નહીં, ૨૦૨૦માં ૮, ૨૦૨૧માં ૨ અને ૨૦૨૨માં માત્ર બે જ લોકોએ આત્મસમર્પણ કર્યું છે.
અધિકારીના જણાવ્યા અનુસાર, આતંકવાદી સંગઠનો સારી રીતે જાણે છે કે પોલીસ અને પરિવારના સભ્યો ગુમ થયેલા યુવકની શોધમાં છે. ઘાટીમાં આવા ઘણા ઉદાહરણો છે, જેમાં ઘણા યુવાનોએ હથિયાર છોડી દીધા અને થોડા સમય પછી ફરીથી તેમાં જાેડાય છે. આતંકવાદી સંગઠનો ગેરમાર્ગે દોરાયેલા યુવાનોનું બ્રેઈનવોશ કરે છે. આ પછી, જ્યારે તેમને લાગે છે કે તે યુવક હજુ પણ આતંકના માર્ગને સંપૂર્ણપણે અનુસરવા માટે તૈયાર નથી અને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા માંગે છે, ત્યારે તેઓ તે યુવકનો આતંકવાદી સંગઠન સાથેનો ફોટો વાયરલ કરે છે. આ રીતે આંતકીઓ યુવકોને પોતાની માયાજાળમાં ફસાવે છે.
સુરક્ષા દળોના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, તાજેતરમાં ઘાટીમાં કોઈ મોટી ઘૂસણખોરી થઈ નથી. શક્ય છે કે આ તમામ વિદેશી આતંકવાદીઓ ઘણા વર્ષોથી ઘાટીમાં ક્યાંક છુપાયેલા હોય શકે છે. હાલમાં ૧૦૯ આતંકીઓ સક્રિય છે. જેમાંથી ૩૮ સ્થાનિક અને ૭૧ વિદેશી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, આઈબી, આર્મી અને અન્ય એજન્સીઓ આતંકીઓના ઠેકાણા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ આતંકવાદીઓને ઘાટીમાં કોઈને કોઈ પ્રકારની મદદ મળી રહી છે, તેનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી.
સરહદ પારથી આતંકવાદી સંગઠનો પાકિસ્તાની આતંકવાદીઓને બચાવવા માંગે છે. આ આતંકવાદીઓ અંડરગ્રાઉન્ડ વર્કર તરીકે લોકોમાં કામ કરે છે. પોલીસ કે સામાન્ય લોકો તેમના પર શંકા કરતા નથી, કારણ કે તેઓ તેમની વચ્ચે રહે છે.