તાજેતરમાં જ અમદાવાદમાંથી એસઓજીક્રાઈમે ૬.૬૯ લાખની કિંમતના ૬૯ ગ્રામ ૬૭૦ મિલીગ્રામ ડ્રગ્સ સાથે એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. ત્યારબાદ સારંગપુરમાંથી વધુ એક મહિલા ૧૦.૩૯ લાખના ૧૦૩ ગ્રામ ૯૦૦ મિલીગ્રામ ડ્રગ્સ સાથે પકડાઈ હતી. હવે મુંબઈથી સફારી કારમાં આવેલા બે શખ્સો ૩૯ લાખથી વધુની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે પકડાઈ ગયાં છે. પોલીસે તેમની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રામોલ પોલીસ સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન હાજર હતી. ત્યારે મુંબઈ તરફથી આવી રહેલી સફારી કારને પોલીસે ચેકિંગ માટે ઉભી રાખી હતી.
આ દરમિયાન પોલીસની પુછપરછ દરમિયાન ગાડીમાં બેઠેલા લોકોએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. પોલીસને શંકા જતાં ગાડીની તપાસ આદરી હતી. જેમાંથી એક પાર્સલ મળ્યું હતું. પોલીસે આ પાર્સલમાં શું છે તેવો સવાલ કરતાં આરોપીઓએ ગોળગોળ જવાબો આપ્યા હતાં. આખરે પોલીસને કડક પુછપરછ બાદ તેમણે પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કબૂલ્યું હતું. પોલીસે પાર્સલ ચેક કરતાં તેમાંથી ૩૭૬ ગ્રામ ૬૦૦ મિલિગ્રામ એમડી ડ્રગ્સ નો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત ૩૭.૬૬ થાય છે.
આરોપીઓએ પોલીસને શંકા ના જાય તે માટે એક મુસ્લિમ મહિલાને સાથે રાખી હતી. આ મહિલાનો પતિ મુંબઈ જેલમાં સજા કાપી રહ્યો છે. તેના પતિને જેલમાંથી બહાર કાઢી આપશે તેવી વાત આરોપીએ આ મહિલાને કરી હતી. પોલીસે ગાડીમાં રહેલા અયુબ કુરેશી, નુર ઈસ્લામ શેખ તથા અયુબખાનની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી હતી. પોલીસે ડ્રગ્સ સહિત ત્રણ મોબાઈલ, ગાડી અને રોકડા રૂપિયા કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.