અમદાવાદ શહેરમાં અકસ્માતોની ઘટના સામાન્ય બાબત બની ગઈ છે. અને તેમાં પણ ઓવરસ્પીડિંગ, રોંગ સાઈડ જતાં લોકોની સંખ્યા પણ વધી રહી છે. આવા લોકોને કંટ્રોલમાં લાવવા અને સાથે નિયમ ભંગ કરનારાથી અકસ્માતોની ભીતિ રહેતી હોય છે તેને દૂર કરવા માટે ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ ટ્રાફિક વિભાગ એક્શનમાં આવ્યું છે.
કોર્પોરેશનની મદદ લઈને પણ ટ્રાફિક વિભાગે શહેરમાં એક નવો પ્રયાસ હાથ ધર્યો છે. જે પ્રયાસના ભાગરૂપે ચાણક્યપુરી બ્રિજ પાસે પ્રભાતચોક તરફ સર્વિસ રોડ ઉપર ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. જેમાં ક્યાંક સફળતા મળી હોવાનું કોર્પોરેશન માની શહેરમાં અન્ય સ્થળે પણ ટાયર કિલર બમ્પ લગાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક વિભાગ દ્વારા કોર્પોરેશનને કેટલાક લોકેશનો આપવામાં આવ્યા છે કે જ્યાં લોકો રોંગ સાઈડમાં વાહનો ચલાવતા હોય છે. ત્યાં અકસ્માતોની સંભાવના પણ રહેતી હોય છે. આવા ૨૩ લોકેશનોનો સર્વે કરીને કોર્પોરેશનને માહિતી આપવામાં આવી છે. કે જ્યાં કોર્પોરેશન હવે ટાયર કિલર બમ્પ લગાવશે. જેથી કરીને લોકો રોંગ સાઈડમાં ન જાય અને નિયમનું પાલન થાય અને અકસ્માતોની સંભાવના ટાળી શકાય.હેબતપુર ઓવરબ્રિજ, સોલા બ્રિજ નીચે, કારગીલ ચાર રસ્તા, સોલા સિવિલ, ભાગવત ચાર રસ્તા, ગોતા ચાર રસ્તા, ઉજાલા સર્કલ, સાણંદ સર્કલ, વાય એમ સી એ ક્લબ, પ્રહલાદ નગર ચાર રસ્તા, કર્ણાવતી ચાર રસ્તા, ઇસ્કોન ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, પકવાન પાસે આવેલા બંને બ્રિજના છેડે, ગુરુદ્વારા ચાર રસ્તા, કર્ણમુક્તેશ્વર મહાદેવ (એરપોર્ટ), સુતરના કારખાના ત્રણ રસ્તા, નાના ચિલોડા બ્રિજના દક્ષિણ છેડે, શાસ્ત્રી પેટ્રોલ પંપની બાજુમાં બહુમાળી મુખ્યમંત્રી ગૃહ યોજના ચાર રસ્તા, ચાણક્યપુરી બ્રિજ અને પ્રભાત ચોક, જજીસ બંગલો ચાર રસ્તા, શ્યામલ બ્રીજ, કારગીલ ચાર રસ્તા પાસેથી પસાર થતા બ્રિજની નીચે બંને બાજુ કિલર બમ્પ લગાવાશે.
આ લોકેશન આઇડેન્ટિફાય કરીને ટ્રાફિક વિભાગે કોરપોરેશનને માહિતી પૂરી પાડી છે. જ્યાં છસ્ઝ્રની ટીમ પહોંચી ટાયર કિલર બમ્પ લગાવશે. આ જગ્યા પર જ્યારે રોંગ સાઈડમાં જતા લોકોને રોંગ સાઈડમાં જવાનું કારણ પૂછાયું તો તેઓએ નજીકમાં જવું છે તેમજ આગળ રસ્તો બંધ છે તેવા કારણો દર્શાવ્યા હતા. જે કારણ માનવામાં ન આવે કે કોઈને ગળે પણ ન ઉતરે. પરંતુ લોકો આ કારણો આગળ ધરીને જવાબદારીમાંથી છટકી રહ્યા છે. અને સીધી રીતે નિયમનો ભંગ કરીને અકસ્માતોની સંભાવના વધારી રહ્યા છે. અને આ જ પરિસ્થિતિને કંટ્રોલમાં લાવવા માટે ટ્રાફિક વિભાગ અને કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે અને શહેરમાં ટાયર કિલર બમ્પ લગાવવાનું શરૂ કર્યું છે.