ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-૩ હવે તેના અંતિમ તબક્કામાં છે. ઈસરોના વૈજ્ઞાનિકોની સાથે સાથે હવે દેશના લોકોના હૃદયના ધબકારા પણ વધી રહ્યા છે. આ દરમિયાન ઈસરોના ચેરમેન એસ સોમનાથે ૨૩ ઓગસ્ટના રોજ સફળ સોફ્ટ-લેન્ડિંગનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એસ સોમનાથે કહ્યું આ આત્મવિશ્વાસ લોન્ચ પહેલાની તમામ તૈયારીઓ અને ચંદ્રની યાત્રામાં સંકલિત મોડ્યુલ અને લેન્ડિંગ મોડ્યુલ દ્વારા કરવામાં આવેલી મુશ્કેલી-મુક્ત પ્રગતિથી આવ્યો છે. અમને વિશ્વાસ છે કારણ કે અત્યાર સુધી બધું બરાબર છે અને આ સમય સુધી કોઈ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નથી. ઈસરોના ચેરમેને વધુમાં કહ્યું, ‘અમે તમામ તૈયારીઓ કરી લીધી છે અને આ તબક્કા સુધી તમામ સિસ્ટમોએ અમારી જરૂરિયાત મુજબ કામગીરી કરી છે. હવે અમે મલ્ટિપલ સિમ્યુલેશન, વેરિફિકેશન અને સિસ્ટમ્સની ડબલ વેરિફિકેશન સાથે લેન્ડિંગની તૈયારી કરી રહ્યા છીએ, સાધનોના સિસ્ટમની તપાસ કરવામાં આવી રહી છે.હવે દુનિયાની નજર ચંદ્રયાન-૩ના લેન્ડિંગ પર છે. કારણ કે રશિયાનું ચંદ્ર મિશન લુના-૨૫ ચંદ્ર સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું.
વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૩ વચ્ચેના ચાર મૂન લેન્ડિંગ મિશનમાંથી ત્રણ નિષ્ફળ ગયા છે. ચીનના ચાંગ-ઈ-૫ સિવાય, અન્ય તમામ – ઇઝરાયેલનું બેરેશીટ, જાપાનનું હાકુટો-આર, ભારતનું ચંદ્રયાન-૨ અને હવે રશિયાનું લુના-૨૫ – આ સમયગાળામાં લેન્ડિંગના પ્રયાસો નિષ્ફળ ગયા છે. એસ સોમનાથે એ પણ પુષ્ટિ કરી કે ચંદ્રયાન-૨ના ઓર્બિટર સાથે લેન્ડિંગ મોડ્યુલને જાેડવાનું જટિલ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. જે ૨૦૧૯થી ચંદ્રની પરિક્રમા કરી રહી રહ્યું છે. તેમણે કહ્યું, ‘ચંદ્રયાન-૨ ઓર્બિટર સાથે લેન્ડરને જાેડવાનું પરીક્ષણ અને ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે’. ઈસરોએ પાછળથી જણાવ્યું કે આનાથી લેન્ડર અને ચંદ્રયાન-૨ ઓર્બિટર વચ્ચે દ્વિ-માર્ગી સંચાર થઈ ગયો છે.
ચંદ્રયાન-૩ લેન્ડર ચંદ્રની સપાટી પર લેન્ડીંગના એક દિવસ પહેલા ઇસરોએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-૩ મિશન નિર્ધારિત સમય મુજબ આગળ વધી રહ્યું છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે, ‘ઈસરોટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક’ (ઈસટ્રેક)માં સ્થિત ‘મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ’માં ઉત્સાહનું વાતાવરણ છે. ભારતના ચંદ્ર પરના ત્રીજા મિશન વિશે નવીનતમ માહિતી આપતા ઈસરોએ કહ્યું કે ‘ મિશન સમયગાળા મુજબ આગળ વધી રહ્યું છે. સિસ્ટમનું નિયમિત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કામગીરી સરળતાથી ચાલી રહી છે.ઈસરોએ જણાવ્યું કે, ચંદ્રયાન-૩નું મોક્સ/ઈસ્ટ્રેકપરથી ચંદ્રની સપાટી પર લેન્ડિંગનું લાઇવ પ્રસારણ આવતી કાલે સાંજે ૫.૨૦ વાગ્યાથી શરૂ કરવામાં આવશે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ બુધવારે સાંજે ૬.૪૫ વાગ્યે ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક લેન્ડીંગ કરે તેવી અપેક્ષા છે.
ચંદ્રયાનના લેન્ડરે લગભગ ૭૦ કિલોમીટરનું અંતર કાપ્યું છે. લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (એલપીડીસી)ની ઊંચાઈ પરથી ચંદ્રની કેટલીક તસવીરો મોકલવામાં આવી છે, જેને ઈસરો દ્વારા શેર કરવામાં આવી છે.ભારતના ચંદ્રયાન-૩ની ૨૩ ઓગસ્ટે થનારી સોફ્ટ લેન્ડિંગ પહેલા તેના લેન્ડરમાં લાગેલા કેમેરાએ ચંદ્રની તસવીરો લીધી છે. ઈસરોએ લેન્ડર ઈમેજર કેમેરા ૪થી લીધેલી તસવીરો એક નાના વીડિયોના માધ્યમથી ટિ્વટ કરીને જાહેર કરી છે. વીડિયોમાં ચંદ્રની સપાટી ઘણી પ્રકાશિત નજરે પડી રહી છે, જેમાં ઠેક ઠેકાણે ખાડા પણ જાેવા મળી રહ્યા છે. ચંદ્રયાન-૩ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે.