સાયબર સુરક્ષા કંપની બિટડેફેન્ડરના સંશોધકોએ ગૂગલ પ્લે સ્ટોર પર 331 ખતરનાક એપ્સ શોધી કાઢી હતી જે વેપર ઓપરેશન નામના મોટા છેતરપિંડી અભિયાનનો ભાગ હતી. આ એપ્સ જાહેરાત છેતરપિંડી અને ફિશિંગ દ્વારા વપરાશકર્તાઓની વ્યક્તિગત માહિતી ચોરી રહી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ એપ્સ 60 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી અને તેમણે એન્ડ્રોઇડ 13 ની સુરક્ષાને પણ બાયપાસ કરી હતી.
ગૂગલે તેના પ્લે સ્ટોર પરથી આ ખતરનાક એપ્સ દૂર કરી દીધી છે. જોકે, બિટડેફેન્ડરના રિપોર્ટ મુજબ, સંશોધનના અંતે 15 એપ્સ હજુ પણ ઉપલબ્ધ હતી. વેપર ઓપરેશન એ સાયબર ગુનેગારો દ્વારા ચલાવવામાં આવતી એક છેતરપિંડી ઝુંબેશ છે. શરૂઆતમાં, તેમાં ૧૮૦ એપ્સનો સમાવેશ થતો હતો, જે દરરોજ ૨૦ કરોડ કપટપૂર્ણ જાહેરાત વિનંતીઓ જનરેટ કરતી હતી.
હવે આ સંખ્યા 331 એપ્સ પર પહોંચી ગઈ છે, જે હેલ્થ ટ્રેકર્સ, QR સ્કેનર્સ, નોટ્સ એપ્સ અને બેટરી ઑપ્ટિમાઇઝર્સ જેવી શ્રેણીઓમાં ફેલાયેલી છે. આ એપ્સમાં એક્વાટ્રેકર, ક્લિકસેવ ડાઉનલોડર અને સ્કેન હોકનો સમાવેશ થાય છે જે 1 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂક્યા છે.
આ ઉપરાંત ટ્રાન્સલેટસ્કેન અને બીટવોચ એપ્સનો પણ સમાવેશ થાય છે જેમને 1 લાખથી 5 લાખ ડાઉનલોડ્સ મળ્યા છે. આ એપ્સ ઓક્ટોબર 2024 થી માર્ચ 2025 ની વચ્ચે ગૂગલ પ્લે સ્ટોર પર અપલોડ કરવામાં આવી હતી.
આ એપ્સ બ્રાઝિલ, અમેરિકા, મેક્સિકો, તુર્કી અને દક્ષિણ કોરિયામાં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવી હતી. ભારત જેવા દેશોમાં પણ, ઓછા ટેકનિકલ જ્ઞાન ધરાવતા વપરાશકર્તાઓ માટે આ એક મોટો ખતરો બની ગયો છે.
શરૂઆતમાં આ એપ્સ ફક્ત જાહેરાત પ્રદર્શિત કરતી એપ્સ તરીકે કામ કરતી હતી. બાદમાં, કમાન્ડ-એન્ડ-કંટ્રોલ (C2) સર્વરથી અપડેટ્સ દ્વારા ખતરનાક કોડ મોકલવામાં આવ્યો. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, આ એપ્સ પોતાને છુપાવવા માટે હોમ સ્ક્રીન પરથી તેમના આઇકોન ગાયબ કરી દે છે.