Election Commission : લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પંચે તેના પર લાગેલા આરોપોનો જવાબ આપ્યો હતો. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પંચને જવાબદાર ઠેરવીને મતદાનના આંકડા જાહેર કરવામાં વિલંબ પર સવાલો ઉઠાવ્યા હતા. તેના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું કે ખડગેના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. ચૂંટણી પંચે ગેરવહીવટ અને મતદાનની ટકાવારીનો ડેટા જાહેર કરવામાં વિલંબના ખડગેના આરોપોને ફગાવી દીધા હતા અને આરોપોને પાયાવિહોણા અને તથ્યો વગરના ગણાવ્યા હતા.
વોટિંગ ટકાવારીના આંકડા અંગે પોતાના સહયોગીઓને લખેલા ખડગેના પત્ર પર ચૂંટણી પંચે કહ્યું કે કોંગ્રેસના ભૂતકાળ અને વર્તમાન બેજવાબદાર નિવેદનો હેરાન કરે છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વિપક્ષી નેતાઓને વોટિંગ ટકાવારીના આંકડા પર લખેલો પત્ર પૂર્વગ્રહયુક્ત ચર્ચાને આગળ વધારવાનો પ્રયાસ છે.
ખડગેએ શું લખ્યું?
ખડગેએ લખ્યું હતું કે લોકશાહીની સુરક્ષા માટે ચૂંટણી પંચની સ્વતંત્ર કામગીરી સુનિશ્ચિત કરવી જરૂરી છે. આ સાથે તેમણે પ્રશ્ન પૂછ્યો હતો કે શું પરિણામોમાં વિલંબ એ મતદાનના અંતિમ પરિણામોને પ્રભાવિત કરવાનો પ્રયાસ નથી. ભાજપ પર આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે, પહેલા બે તબક્કાના મતદાન બાદ જે વલણો સામે આવ્યા છે તેના કારણે ભાજપના નેતાઓ અને પીએમ મોદી નર્વસ છે અને તેઓ સત્તા મેળવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.