મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની મુંબઈમાં પોલીસે અટકાયત કરી છે. તુષાર ગાંધીએ પોતે ટ્વીટ કરીને અટકાયત કરી હોવાનો દાવો કર્યો છે. તુષારે ટ્વીટ કર્યું કે તેમની સાંતા ક્રુઝ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જાેકે થોડા સમય બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા.
તુષાર ગાંધીએ ટ્વીટ કર્યું કે, સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર મારી અટકાયત કરવામાં આવી છે. તુષારે લખ્યું કે તેને સાંતા ક્રુઝ પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે હું ૯ ઓગસ્ટના રોજ ભારત છોડો આંદોલનની વર્ષગાંઠની ઉજવણી કરવા માટે ઘરેથી નીકળ્યો હતો. મને ગર્વ છે કે મારા પરદાદા બાપુ અને બાની પણ ઐતિહાસિક તારીખે અંગ્રેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
તુષાર ગાંધીએ બીજું ટ્વીટ કર્યું અને તેમણે લખ્યું કે, પોલીસ સ્ટેશન છોડવાની પરવાનગી મળતાં જ હું ઓગસ્ટ ક્રાંતિ મેદાન માટે રવાના થઈ જઈશ. ઓગસ્ટ ક્રાંતિ દિવસ અને તેના શહીદોને યાદ કરશે. પોલીસે થોડા સમય બાદ તુષાર ગાંધીને છોડી મુક્યા હતા. તુષારે ટ્વીટ કરીને લખ્યું કે હવે મને જવા દેવામાં આવી રહ્યો છે. ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરફ જઈ રહ્યો છું. ઈન્કલાબ ઝિંદાબાદ!
આ મામલે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં નથી આવ્યું. જાેકે, ટ્વીટર પર યુઝરને જવાબ આપતા તુષાર ગાંધીએ કહ્યું કે ઓગસ્ટ ક્રાંતિ મેદાન સુધી શાંતિપૂર્ણ કૂચની તૈયારીઓ હતી પરંતુ તેને કાયદો અને વ્યવસ્થા માટે પડકાર તરીકે જાેવામાં આવે છે. તુષાર ગાંધીને તેમના સમર્થકો સાથે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.