જામનગરના દરેડમાં આવેલી પંજાબ નેશનલ બેંકના ઈન્ચાર્જ મેનેજરે મહિલાઓના વોશરૂમમાં સ્પાય કેમેરો લગાવ્યો હોવાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચ્યો છે. બેંકની મહિલા કર્મચારીઓના ફોટો અને વીડિયો લેવાના ઈરાદાથી બેંકના લેડીઝ વોશરૂમમાં લગાવેલો કેમેરો બેંકની મહિલા કર્મચારીએ જ ઝડપી પાડ્યો હતો. આ મામલે મહિલા કર્મચારી દ્વારા બેંકના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરાયા બાદ કેમેરો લગાવનાર ઈન્ચાર્જ મેનેજર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરના દરેડ GIDC માં મહાવીર સર્કલ પાસે આવેલી પંજાબ નેશનલ બેંકની બ્રાંચમાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીને બેંકના વોશરૂમનો ઉપયોગ કરતી વખતે દરવાજા ઉપરની દિવાલ પર લગાવેલો એક સ્પાય કેમેરો ધ્યાન પર આવ્યો હતો, જે બાદ મહિલા કર્મચારી દ્વારા તરત જ બેંકના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

આ મામલે તપાસ કરાતાં પંજાબ બેંકમાં ઈન્ચાર્જ મેનેજર તરીકે ફરજ બજાવતા મૂળ હરિયાણાના અને હાલ જામનગરના યમુનાનગરમાં રહેતા અખિલેશ સૈનીએ જ આ સ્પાય કેમેરો લગાવ્યો હોવાનું ખૂલ્યું હતું. જે બાદ બેંકના ઈન્ચાર્જ મેનેજરની કરતૂત સામે લાવવા મહિલાકર્મીએ હિંમત કરીને ફરિયાદ નોંધાવી હતી. બેંકની મહિલા કર્મચારીઓના વીડિયો અને ફોટો લેવાના ઈરાદાથી અખિલેશ સૈનીએ મહિલાઓના વોશરૂમમાં કેમેરો લગાવવા મામલે મહિલા કર્મચારીએ જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અખિલેશ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી નરાધમ બેંક મેનેજરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share.
Exit mobile version