ઘર કંકાસમાં જમાઈની હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. પતિ પત્નીના ઝઘડામાં સાસરિયાઓએ જમાઈને એસિડ પીવડાવી તેની હત્યા કરી નાખી છે. રિસામણે બેઠેલી પત્નીને પરત લેવા ગયેલા પતિ પર હુમલો કરીને બળજબરી પૂર્વક એસિડ પીવડાવ્યું હતુ. માધુપુરા પોલીસે પત્ની, સાસુ-સસરા સહિત ચાર લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી છે.

આ ચકચારી ઘટના માધુપુરા વિસ્તારની છે. જ્યાં ઘર કંકાસ હત્યામાં પરિણમ્યો છે. સમગ્ર ઘટનાક્રમ મુજબ ગીતામંદિર પાસે રહેલા પ્રહલાદભાઈ વાઘેલા પોતાની પત્ની શિલ્પા રિસાઈને પિયર જતી રહી હતી તેને મનાવીને ઘરે પરત લાવવા પ્રહલાદભાઈ સાસરીમાં ગયા હતા. તેમને સપને ય ખ્યાલ નહિ હોય કે તેમનો આ અંતિમ દિવસ હશે.

રિસાયેલી પત્નીને મનાવતા અચાનક પત્ની ઉશ્કેરાઈ ગઈ અને બન્ને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો. આ ઝઘડાની અદાવતમાં પત્ની શિલ્પા, સાસુ શકુ પરમાર, સસરા મનોજ અને કૌટુંબિક સાળા દીપક પરમારે પ્રહલાદભાઈને મૂઢ માર માર્યો. જે બાદ ઘરની નીચે લઈ જઈ ચારેય લોકોએ ભેગા મળી પ્રહલાદભાઈને એસિડ પીવડાવી દીધું હતું. જેમા સારવાર દરમિયાન પ્રહલાદભાઈ મોત થતા હત્યાનો ગુનો નોંધાયો છે. મૃતકના પીએમ રિપોર્ટમાં શારીરિક ઈજા અને એસિડ પીવાથી મોત થયુ હોવાનુ ખૂલ્યુ છે.

મૃતક પ્રહલાદભાઈ અને પત્ની શિલ્પાના લગ્ન ૨૦૧૦માં થયા હતા. તેઓને સંતાન માં બે દીકરીઓ છે. બન્ને પતિ-પત્ની વચ્ચે ઘર કંકાસ અને પારિવારિક ઝઘડો ચાલતો હતો. જેથી છેલ્લા એક મહિનાથી પત્ની શિલ્પા પોતાના પિયર માધુપુરા જતા રહ્યા હતા. મૃતક પ્રહેલાદ ભાઈ પત્નીને ઘરે પરત લાવવા અનેક પ્રયત્નો કર્યા પરંતુ પત્ની પરત નહિ આવતા પ્રહલાદભાઈ ૧૧ ઓગસ્ટ રાત્રી પત્નીને લેવા જતા રહ્યા હતા. એ રાત્રે જ પત્ની અને સાસરિયાએ મળીને એસિડ પીવડાવીને હત્યા કરી દીધી હતી. હત્યા બાદ તમામ લોકો ઘરબંધ કરી ફરાર થઈ જતા માધુપુરા પોલીસે તેઓની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકના પરિવાજનો પત્ની શિલ્પના પરિવાર વિરુદ્ધ આક્ષેપ કર્યા છે કે અગાઉ પણ ઝઘડામાં જીવલેણ હુમલો પરિવાર પર કરી ચુક્યા છે. મહત્વનું છે કે પતિ-પત્ની વચ્ચે ઘર કંકાસએ સુખી માળો વિખેરી નાખ્યો છે, ગુસ્સા અને ઉશેકરાટમાં શિલ્પાએ પોતાના પતિની જ હત્યા કરી નાખતા બે દીકરીના માથા પરથી પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે.

Share.
Exit mobile version