ભારત અને અમેરિકાના સંબંધોમાં ઘણી વખત ઉતાર ચઢાવ આવતા રહે છે, પરંતુ ભારતીયોને વિદેશ રહેવા જવાનું મન થાય ત્યારે મોટા ભાગે અમેરિકાને જ પસંદ કરે છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે અમેરિકામાં ભારતીયોની વસતી ૨૮.૫૦ લાખ સુધી પહોંચી ગઈ છે. ૨૦૨૧થી ૨૦૨૨ સુધીમાં એક વર્ષના ગાળામાં યુએસમાં ભારતીયોની વસતીમાં લગભગ ૫ ટકાનો વધારો થયો છે.

અમેરિકામાં ઈમિગ્રન્ટ્‌સની સંખ્યા સતત ઝડપથી વધી રહી છે. હાલમાં અમેરિકામાં દર સાતમાંથી એક વ્યક્તિ વિદેશમાં જન્મેલી છે તેવું તાજેતરના આંકડા દર્શાવે છે. અહીં ઇમિગ્રન્ટ્‌સની જે કુલ સંખ્યા છે તેમાં લગભગ ૬ ટકા ભારતીયો છે. યુએસની ડેમોગ્રાફી વિશે કેટલાક રસપ્રદ આંકડા આવ્યા છે. તે પ્રમાણે અમેરિકાની કુલ વસતીમાં ૧૩.૯ ટકા જેટલા માઈગ્રન્ટ છે. તેમાં કાયદેસરના અને ગેરકાયદે બંને માઈગ્રન્ટ્‌સ સામેલ છે. USમાં અત્યારે કુલ ઇમિગ્રન્ટ્‌સમાં ભારતીયો અને ચાઈનીઝ બંનેની વસતી ૬ ટકાની આસપાસ છે.

ભારતીયોની વસતીમાં એક વર્ષમાં ૪.૮ ટકા વધારો થયો છે જ્યારે ચાઈનીઝ લોકોની વસતીમાં ૩ ટકા વધારો થયો છે. અત્યારે યુએસમાં સૌથી વધારે ઈમિગ્રન્ટ્‌સ મેક્સિકન છે પરંતુ તેમની સંખ્યા છેલ્લા એક વર્ષમાં સહેજ ઘટી છે. આ ઉપરાંત અમેરિકામાં શરણાર્થી તરીકે આવતા લોકોની સંખ્યા મોટી છે જેના કારણે અફઘાનિસ્તાન અને વેનેઝુએલાના ઈમિગ્રન્ટ્‌સમાં વધારો થયો છે. એક્સપર્ટનું કહેવું છે કે યુએસ ઈકોનોમીના વિસ્તરણની સાથે બહારથી લોકો આવે તે જરૂરી છે. અમેરિકાની વસતી લગભગ ૩૩ કરોડની છે અને તેમાં ઈમિગ્રન્ટ્‌સનું પ્રમાણ ૧૩.૬ ટકાથી વધીને ૧૩.૯ ટકા થયું છે. એટલે કે દર સાતમાંથી એક વ્યક્તિ વિદેશથી આવી છે.

અમેરિકામાં એક વર્ષ અગાઉ ભારતીયોની વસતી ૨૭ લાખ હતી જે હવે વધીને ૨૮.૫૦ લાખની નજીક છે. ચાઈનીઝ ઈમિગ્રન્ટ્‌સની સંખ્યામાં ૭૯,૦૦૦નો વધારો થયો છે. એટલે કે અત્યારે યુએસમાં ૨૮.૩૦ લાખ ચીની લોકો છે. મેક્સિકનોની સંખ્યા ૧.૦૬ કરોડ છે અને કુલ ઈમિગ્રન્ટ્‌સમાં તેઓ ૨૩ ટકા હિસ્સો ધરાવે છે.

ભારત, ચીન અને મેક્સિકોને બાદ કરવામાં આવે તો બાકીના દેશોના લોકોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. હાલમાં યુએસમાં અફઘાનિસ્તાનના લોકોની સંખ્યા ૪.૦૭ લાખ છે જ્યારે વેનેઝુએલાના ઈમિગ્રન્ટ્‌સની સંખ્યા ૬.૭૦ લાખ છે. જાેકે, ટકાવારીની રીતે જાેવામાં આવે તો તેમના પ્રમાણમાં અનુક્રમે ૨૨૯ ટકા અને ૨૨ ટકાનો વધારો થયો છે.

અમેરિકન એક્સપર્ટ્‌સનું કહેવું છે કે અમેરિકાને ટૂંકા ગાળા માટે તથા લાંબા ગાળા માટે કામદારોની જરૂર છે. દરેક પ્રકારની સ્કીલના લોકો યુએસ આવે તે જરૂરી છે. હાલમાં યુએસમાં વિદેશમાં જન્મેલા લોકોની સંખ્યા ૪.૬૧ કરોડ છે જે ૨૦૧૨માં ૪.૦૮ કરોડ હતી. યુએસમાં ભારતીયોની સંખ્યા વધી રહી છે, પરંતુ એકંદરે ઈમિગ્રન્ટ્‌સના પ્રમાણમાં ખાસ વધારો નથી થયો. જુલાઈ ૨૦૨૧થી જુલાઈ ૨૦૨૨ વચ્ચે ઈમિગ્રન્ટ્‌સની સંખ્યામાં માત્ર ૦.૩ ટકાનો વધારો થયો છે.

Share.
Exit mobile version