વડોદરામાં તથા આસપાસના વિસ્તારોમાં નદીનું જળસ્તર વરસાદમાં ઉપર આવતા મગર રહેણાક વિસ્તારોમાં પહોંચી જતા હોય છે. આવામાં વધુ એક ઘટના બની છે કે જેમાં વિશાળ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ૧૦ ફૂટથી લાંબો મગર પકડાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. મગર પોતાના વિસ્તારમાં હોવાની વાત જાણીને લોકો ચિંતિત બન્યા હતા. શહેરની ગોલ્ડન ચોકડી પાસે સુકલીપુરા ગામમાં મગર દેખાવાની ઘટના બની છે. ૧૨ ફૂટ લાંબો વિશાળ મગર પોતાના વિસ્તારમાં દેખાતા સ્થાનિકો ચિંતિત થઈ ગયા હતા. મગર દેખાયા બાદ વાલીઓને પોતાના બાળકો તથા પરિવારની ચિંતા થઈ રહી હતી. વિશાળ મગર દેખાયા બાદ સ્થાનિકોએ આ અંગે જીવદયા સંસ્થાને ફોન કર્યો હતો. ટીમે માહિતી મળ્યા બાદ ઘટના સ્થળ પર પહોંચીને મગરને પકડી પાડ્યો હતો. મગર વિશાળ હોવાથી ટીમે પણ તેને પકડવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જીવદયા પ્રેમી ટીમે લોકોને મગરથી સુરક્ષિત કરવા માટે તેને પકડી લેવામાં આવ્યો હતો. જાેકે, મગર પકડાઈ ગયા બાદ પણ ઉછાળા મારીને છૂટવાના પ્રયાસ કરી રહ્યો હતો. વરસાદની વચ્ચે મગર આવ્યાની માહિતી મળતા ટીમ પિંજરું લઈને તેના રેસ્ક્યુ માટે પહોંચી હતી. મગરને પકડવા માટે જે પિંજરું હતું તેની અંદર લઈ જવાના પ્રયાસ દરમિયાન ડરી ગયેલા મગરે લોખંડના પિંજરાને પોતાના જડબામાં લઈને ઉછાળવાનો પ્રયાસ કર્યો હતો. ટીમના બે વ્યક્તિઓ દ્વારા મગરને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો પરંતુ શક્તિશાળી મગર સતત પકડમાંથી છૂટવાના પ્રયાસ કરતો જાેવા મળ્યો હતો. વડોદરામાં વિશ્વામિત્રી સહિતની નદીઓમાં જળસ્તર વધવાથી વરસાદના સમયે મગર બહાર નીકળીને રહેણાક વિસ્તારમાં આવી જતા હોય છે.

Share.
Exit mobile version