સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને હેટ સ્પીચ કેસમાં દોષીત ઠેરવવામાં આવ્યા છે. રામપુરની કોર્ટે આ ર્નિણય સંભળાવ્યો છે. વર્ષ ૨૦૧૯માં રામપુરના શહઝાદનગર પોલીસ સ્ટેશનમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. આઝમ પર લોકસભા ચૂંટણી દરમિયાન ભડકાઉ ભાષણ આપવાનો આરોપ હતો, જ્યારે આઝમ ખાન સપા- બસપાના ગઠબંધનથી લોકસભાના ઉમેદવાર હતા. રામપુર કોર્ટે બે વર્ષની સજા સંભળાવી છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન આઝમ ખાને તેમની એક જાહેરસભામાં મુખ્યમંત્રી અને તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત અનેક અધિકારીઓ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોની નોંધ લેતા એડીઓ પંચાયત અનિલ ચૌહાણે શહજાદ નગર પોલીસ સ્ટેશનમાં આઝમ ખાન વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, જેના બાદ પોલીસ અધિકારીઓએ મામલાની તપાસ કરી અને આઝમ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

જાેકે બાદમાં આ કેસમાં આઝમને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આ કેસમાં કોર્ટમાં બંને પક્ષો દ્વારા તમામ દલીલો રજૂ કરવામાં આવી હતી, માત્ર ર્નિણય આવવાનો બાકી હતો. આ માટે કોર્ટ દ્વારા આજની તારીખ નક્કી કરવામાં આવી હતી. અગાઉ વર્ષ ૨૦૨૨માં રામપુરની એમપી-એમએલએ કોર્ટે જ આઝમ ખાનને ત્રણ વર્ષની જેલ અને ૨૫ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

Share.
Exit mobile version