વર્તમાન સમયમાં ક્રિકેટ સટ્ટો અને ઓનલાઈન રમાતા જુગારના કારણે ઘણી વખત જુગારમાં લાખો કરોડો રૂપિયા હારી જવાના કારણે ચોંકાવનારા બનાવો સામે આવતા હોય છે. આવો જ એક બનાવ મોરબી જિલ્લાના હળવદમાં પણ સામે આવ્યા છે.હળવદ યાર્ડમાં જુદી જુદી પેઢીઓ પાસેથી તલની ખરીદી કરીને તેમજ ખેડૂતો પાસેથી તલની ખરીદી કરવામાં આવી હતી અને જે પેઢી દ્વારા તલની ખરીદી કરવામાં આવી હતી. તેના કર્મચારી દ્વારા ખરીદી, વેચાણ તથા કમિશન પેટે કુલ મળીને ૬૯,૬૪,૮૬૮ રૂપિયાનો પેઢીના માલિકની જાણ બહાર વિશ્વાસઘાત કર્યો હતો. જેની પેઢીના માલિકે તેના જ કર્મચારી સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.

હળવદ તાલુકાની અંદર એક કર્મચારીએ જુગારમાં રૂપિયા હારી જવાના કારણે તેના જ પેઢીના માલિકને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. જે બનાવ સંદર્ભે હળવદ માર્કેટ યાર્ડમાં દુકાન ધરાવતા કમિશન એજન્ટ તરીકે પેઢી ધારવાતા ધાંગધ્રા તાલુકાના રતનપર ગામના રહેવાસી નારસંગભાઈ એ તેના કર્મચારી ઉમેશભાઈ નરશીભાઈ પારેજિયા સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.જેમાં હળવદ માર્કેટિંગ યાર્ડમાં જય કિસાન ટ્રેડિંગ નામની તેઓની દુકાન આવેલ છે. જેમાં તેનો માસીનો દીકરો હરપાલભાઈ હેમુભાઇ ટાંક તેનો ભાગીદાર છે અને તેઓની પેઢીમાં ઉમેશભાઈ નરસિંહભાઈ પારેજીયાને પગારદાર કર્મચારી તરીકે ૨૨/૩/૨૩થી રાખવામાં આવ્યા હતા અને તેને માસિક રૂપિયા ૧૦,૦૦૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેની ૬૯,૬૪,૮૬૮ રૂપિયાના વિશ્વાસઘાતના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.

આ આરોપીએ જય કિસાન ટ્રેડિંગ પેઢીના નામે જુદી જુદી પેઢીઓ પાસેથી ૩૭,૩૪,૧૧૪ રૂપિયાના તલની ખરીદી કરી હતી અને તે પૈકી ૧૨,૦૧,૬૪૫ તેના દ્વારા ચૂકવવામાં આવ્યા છે અને બાકીના ૨૫,૩૨,૪૬૯ અન્ય વેપારીઓને ચૂકવવાના બાકી છે તેમજ જય કિસાન ટ્રેડિંગ મારફતે ખેડૂતો પાસેથી વેપારીઓને તલની ખરીદી કરેલ તે પેઢીઓ પાસેથી જય કિસાન ટ્રેડિંગના લેવાના રૂપિયા અને કમિશનના રૂપિયા આમ કુલ મળીને ૩૨,૩૦,૭૪૫ રૂપિયા લેવાના થાય છે, જે આરોપીએ ખરીદી, વેચાણ થતા કમિશનના રૂપિયા મળીને કુલ ૬૯,૬૪,૮૬૮ રૂપિયા ફરિયાદીની જાણ બહાર વિશ્વાસઘાત કરીને લઇને નાસી ગયેલ હતો.

જેની કમિશન એજન્ટ દ્વારા તેના કર્મચારી સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી ઉમેશભાઈ નરશીભાઈ પારેજિયા રહે. કણબીપરા રામજી મંદિર પાસે મોરબી દરવાજા હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને આગળની તજવીજ શરૂ કરેલ છે.મોરબી જીલ્લામાં આવેલા ઉદ્યોગમાં અને યાર્ડમાં અવારનવાર વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુના નોંધાતા હોય છે ત્યારે વેપારીઓ અને ઉદ્યોગકારોને સંભવિત વિશ્વાસઘાત અને છેતરપિંડીથી બચવા માટે કર્મચારી સહિતના બહારના લોકો ઉપર વિશ્વાસ મુક્તા પહેલા સો વખત વિચાર કરવાની જરૂર છે, કેમકે આ ગુનામાં આરોપી જે રીતે ક્રિકેટ સટ્ટામાં લાખો રૂપિયા હારી ગયો અને ત્યારબાદ તે દેણું ભરપાઈ કરવા માટે તેણે પેઢીના માલિક સાથે વિશ્વાસઘાત કર્યો છે.

Share.
Exit mobile version