પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. રાજકારણનો લોહીયાળ ખેલ ઉગ્ર બની રહ્યો છે. થોડા દિવસો પહેલા ભાજપના એક નેતા પર બોમ્બ અને ગોળીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હવે બુધવારે મોડી રાતે કોલકાતા આવતી વખતે મુર્શિદાબાદના નિમતિતા સ્ટેશન પાસે પ્રાંતના શ્રમ રાજ્યમંત્રી ઝાકિર હુસૈન પર બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની CID તપાસ હાથ ધરી દેવામાં આવી છે. તો મુખ્યમંત્રી મમતા બેનરજી પણ ઝાકિર હુસૈનના ખબર અંતર પુછવા હોસ્પિટલમાં જશે.
ઝાકિર હુસૈનને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. તેમના હાથ-પગ અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચેલી છે. આ હુમલામાં મંત્રી સહિત કુલ 22 લોકોને ઈજાઓ પહોંચી છે જે પૈકીના 7ની સ્થિતિ ગંભીર છે.
બુધવારે રાતે મુર્શિદાબાદ જિલ્લાના નિમટિટા રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર 2 પર મંત્રીજી પોતાની ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા તેમના કેટલાક સમર્થકો અને સહયોગીઓ પણ તેમના સાથે હતા અને તેઓ ઝાકિર હુસૈન જિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. બરાબર આ દરમિયાન જ રાત્રે 10 વાગ્યે તેમના પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમા જંગીપુરાના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી ઝાકિર હુસૈન અને અન્ય 2 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાબડતોબ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંત્રી ઉપરાંત 20 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 5 લોકો ગંભીર રીતે ઘાયલ છે. તમામને મુર્શિદાબાદ મેડિકલ કોલેજમાં દાખલ કરાયા હતા. પાંચ ગંભીર રીતે ઘાયલ લોકોને કોલકાતા શિફ્ટ કરાયા છે.
મંત્રી ઝાકિર હુસૈન પર જ્યારે બોમ્બથી હુમલો થયો તે સમયનો એક વીડિયો સામે આવ્યો છે. ઝાકિર હુસૈન પરના હુમલા બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. હાલ પોલીસ કોણે અને કયા કારણે હુમલો કર્યો તપાસ કરી રહી છે અને ઘટના સ્થળની આસપાસના રેલવેના ક્લોઝ સર્કિટ કેમેરાની મદદથી બદમાશોને ઓળખવાની વિધિ હાથ ધરવામાં આવી છે.
હોસ્પિટલમાં એક અધિકારીએ જણાવ્યું કે મંત્રીને પગ અને પેટના નીચેના ભાગમાં ઈજાઓ થઈ હતી. બીજી બાજુ તૃણમૂલ કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ મંત્રી મલય ઘટકે આ હુમલા માટે પાર્ટીના રાજનીતિક પ્રતિદ્વંદ્વીઓને જવાબદાર ઠેરવ્યા છે. જ્યારે તૃણમૂલથી નિષ્કાષિત કરાયેલ અને મુર્શિદાબાદ જિલ્લા પરિષદના સભાધિપતિ મુશર્રફ હુસૈને દાવો કર્યો છે કે આ હુમલો પાર્ટીના આંતરિક વિખવાદનું પરિણામ છે. આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના સૂત્રો દ્વારા મળતા અહેવાલો પ્રમાણે ઝાકિર હુસૈને જિલ્લાના પશુ તસ્કરો વિરૂદ્ધ રાજ્ય સરકારને લેખિત ફરિયાદ કરી હતી. ક્ષેત્રના કેટલાક વેપારીઓ સાથે પણ તેમનો વિવાદ ચાલી રહ્યો હતો જેથી તેઓ લાંબા સમયથી ટાર્ગેટ પર હતા. એક બાજુ ટીએમસી કાર્યકરો પર સતત સંઘ અને ભાજપ કાર્યકરો પર હુમલાના આરોપ લાગી રહ્યા છે ત્યારે બીજી બાજુ ટીએમસી નેતા અને સરકારમાં મંત્રી પર હુમલાની આ ઘટનાએ અનેક ગંભીર સવાલ ઊભા કર્યા છે.