વિશ્વના અનેક દેશોમાં કોરોના કહેર વરસાવી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં કુદરતી રીતે જ કોરોનાના રોજેરોજ નોંધાતા કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. લોકોને 11 મહિનાની ત્રાસ્દી બાદ આ મોટી રાહત મળી છે.
બીજી તરફ ચૂંટણીની રેલીઓ અને સભાઓમાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્ટ અને સેનેટાઇઝરની ઐસીતૈસી કરીને ભીડ ઉમટી રહી છે. સરકારે જાહેર કરેલાં નિયમો અને ચૂંટણીપંચે જાહેર કરેલી એસઓપીનું ક્યાંય પાલન થતું હોવાનું જણાતું નથી. નાક પરથી માસ્ક નીચે ઉતરી જાય તો ગરીબ માણસને 1000 રૂા.નો દંડ ફટકારતા પોલીસવાળાઓને માસ્ક વગરના નેતાઓ દેખાતા નથી.
અમદાવાદમાં ભાજપની, કોંગ્રેસની, આપની મોટી રેલીઓ નીકળી ચુકી છે. જેમાં જોડાનારા લોકો માસ્ક વગરના જ હતાં. રાતના ચૂંટણી કાર્યાલયો ઉપર જામતી ભીડમાં પણ ગણ્યાગાંઠયા લોકોના મોં પર માસ્ક જોવા મળે છે. પ્રચારના રાઉન્ડ દરમ્યાન ઉમેદવારોના કપાળે ચાંદલા કરી ફુલહાર પહેરાવાય છે, ત્યારે પણ ઉમેદવાર અને હાર પહેરાવનાર બન્નેના મોં પર માસ્ક જોવા મળતો નથી.
રાજ્ય સરકારનો માસ્ક પહેર્યા વગરના નાગરિકને 1000 રૂા. દંડ કરવાનો કાયદો અમલી હોય તો તેનું તંત્રએ પાલન કરાવવું જોઈએ અને કાયદો ઉઠાવી લીધો હોય તો તેની વિધીવત જાહેરાત થવી જોઈએ, તેમ સમજદાર નાગરિકો કહી રહ્યાં છે. કુદરત સહાનુકૂળ રહી તો સારૂં છે, નહીં તો આ બેદરકારી આવનારા સમયમાં બહું જ ભારે પડશે તેમ સિનિયર ડોક્ટરો કહી રહ્યાં છે. કોરોના હજુ ગયો નથી, તે બાબતે તમામે યાદ રાખવી પડશે.
બીજી તરફ વેકિસનની કામગીરી ધાર્યા કરતાં ધીમી ચાલી રહી છે. મ્યુનિ.ના અધિકારીઓ, કર્મચારીઓ, કામદારોને વેકિસન માટે અસામાન્ય દબાણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ 50 વર્ષથી મોટી વયના લોકો વેકિસનની રાહ જોઈ રહ્યાં છે, આ માટે ઉત્સુક છે તેમને મળી શકતી નથી. આ માટે મ્યુનિ.એ અને સરકારના હેલ્થ ખાતાએ વિચારણા કરવાની તાતી જરૂર છે.
બીજી તરફ મ્યુનિ.ના શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કચરો ઉપાડતા તેમજ બાયોમેડિકલ વેસ્ટનો નીકાલ કરતાં કોન્ટ્રાક્ટરોના કામદારોની યાદી મોકલી હોવાથી તેમને વેકિસન આપવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે એન્જિનિયરીંગ ખાતાએ પાણીના અને ડ્રેનેજના પપીંગ સ્ટેશનોના કોન્ટ્રાક્ટરના કામદારોની યાદી હજુ મોકલી ના હોવાથી તેઓ વેકિસનથી વંચીત થશે. એસટીપીમાં ખાસ જરૂર છે, કેમકે ગટરની ગંદકીમાં કોરોના વાયરસ લાંબા સમય સુધી જીવતો રહેતો હોય છે.