વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં સામૂહિક આપઘાતમાં મોતને ભેટેલા 3 સભ્યોની અંતિમ યાત્રા આજે સયાજી હોસ્પિટલમાંથી એક સાથે નીકળી હતી. આ સમયે 4 વર્ષના બાળકને તેના મામાને હાથમાં લીધો હતો. આ સમયે બાળકના નાના-નાની, મામા અને માસીએ હૈયાફાટ રુદન કર્યું હતું. અને કહ્યું હતું કે, ‘અમારા ફૂલ જેવા બાળકનો શું વાંક હતો’. અંતિમયાત્રામાં સ્વાતિ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ખાસવાડી સ્મશાનમાં પિતા અને દીકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે 4 વર્ષના પાર્થની દફનવિધિ કરવામાં આવી હતી.
મામાએ બાળકના મૃતદેહને ઉઠાવીને એમ્બ્યુલન્સમાં મૂક્યો
વડોદરાના સમા સ્પોટ્સ કોમ્પ્લેક્સ સામે આવેલી C-13, સ્વાતિ સોસાયટીના શિવશક્તિ બંગલોમાં બુધવારે સોની પરિવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સામૂહિક આપઘાતમાં મૃત્યુ પામેલા પરિવારના મોભી નરેન્દ્ર સોની, તેમની દીકરી રીયા અને પૌત્ર પાર્થનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ તેમની યાત્રા નીકળી હતી. જેમાં મામાએ બાળકના મૃતદેહને ઉઠાવીને એમ્બ્યુલન્સમાં મૂક્યો હતો. આ સમયે પાર્થના માતા વૈશાલીબેન, પિતા મહેન્દ્રભાઇ, બહેન ખુશ્બૂ, ભાઇ હર્ષે હૈયાફાટ રુદન કર્યું હતું.
ખાસવાડી સ્મશાનમાં અંતિમસંસ્કાર કરાયા
સ્વાતિ સોસાયટી સ્થિત ઘરમાં કોઇ ન હોવાથી ત્રણેયની અંતિમયાત્રા સયાજી હોસ્પિટલમાંથી જ નીકળીને ખાસવાડી સ્મશાન ખાતે પહોંચી હતી. જ્યાં પિતા નરેન્દ્રભાઇ અને દીકરી રીયાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે 4 વર્ષના પાર્થની દફનવિધિ કરવામાં આવી હતી.
ઝેરી દવા ગટગટાવીને પરિવારે સામૂહિક આપઘાત કરતાં 3 સભ્યોનાં મોત થયાં હતાં
વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે બુધવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 3ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આપઘાત કરવા પાછળ આર્થિક સ્થિતિ કારણભૂત છે. પરિવારનો ધંધો બંધ થઈ જતા અને બીજે ધંધો બરાબર ન ચાલતા બાળકો સાથે 6 સભ્યોના પરિવારે ઝેરી દવા પીવાની નોબત આવી હતી. જેમાં ઘરના મોભી, પૌત્ર, અને તેમની ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીનું કરૂણ મોત થયું છે. જ્યારે મોટો દીકરો અને તેની પત્ની અને માતા સહિતના 3 પરિવારજનો હાલ સારવાર હેઠળ છે.