US Reveals Section 301: જબરદસ્તી શ્રમના મુદ્દે અમેરિકાનું કડક વલણ: વૈશ્વિક વેપાર પર શું થશે અસર?
યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) દ્વારા લેવાયેલા એક કડક નિર્ણયે આંતરરાષ્ટ્રીય વેપાર જગતમાં હલચલ મચાવી દીધી છે. USTR એ ‘સેક્શન 301’ ની તપાસના આધારે ભારત સહિત 54 દેશો પર 12.5% સુધીનો વધારાનો ટેરિફ (આયાત જકાત) લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ‘જબરદસ્તીથી કરાવવામાં આવતા શ્રમ’ (Forced Labour) દ્વારા ઉત્પાદિત સામાનની આયાત રોકવામાં આ દેશોની નિષ્ફળતા હોવાનું જણાવાયું છે.

ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી મંત્રણા:
આ ટેરિફની જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતી (Bilateral Trade Agreement) ને અંતિમ ઓપ આપવા માટે નવી દિલ્હીમાં ત્રણ દિવસીય વાટાઘાટો ચાલી રહી છે. ભારત સરકારના અધિકારીઓ આ ટેરિફના બોજમાંથી રાહત મેળવવા અને સ્પર્ધક દેશોની સરખામણીએ ઓછો ટેરિફ દર મેળવવા માટે મથામણ કરી રહ્યા છે. ભારતનું વલણ સ્પષ્ટ છે કે, જો સમજૂતીની શરતો “નિષ્પક્ષ, ન્યાયસંગત અને સંતુલિત” હશે, તો જ આ સોદો પાર પાડવામાં આવશે. સમજૂતીની રૂપરેખા તૈયાર થયા બાદ અમેરિકી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીર ભારતની મુલાકાતે આવી શકે છે.
શું છે USTR ના તર્ક અને પ્રસ્તાવ?
અમેરિકી રિપોર્ટ મુજબ, જે દેશો જબરદસ્તીથી કરાવવામાં આવતા શ્રમને રોકવામાં નિષ્ફળ રહ્યા છે, તેમની સામે આ પગલાં લેવાઈ રહ્યા છે. USTR એ બે પ્રકારના ટેરિફ દરોનો પ્રસ્તાવ મૂક્યો છે:
10% ટેરિફ: જે દેશોએ આવી આયાત પર અંશતઃ રોક લગાવી છે અથવા જેઓ આ દિશામાં કામ કરી રહ્યા છે.
12.5% ટેરિફ: જે દેશો જબરદસ્તી શ્રમ પર રોક લગાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે.
આ ઉપરાંત, કપડાં અને ટેક્સટાઈલ ક્ષેત્ર માટે એક વિશેષ ‘ટેક્સટાઈલ મિકેનિઝમ’ લાવવાનો પણ પ્રસ્તાવ છે, જેથી ચોક્કસ વોલ્યુમ સુધીની આયાત પર ટેરિફનો દર ઓછો રહી શકે.

સેક્શન 301 શું છે? અમેરિકાનો ‘ટ્રેડ એક્ટ, 1974’ ની કલમ 301 એ એક મજબૂત વેપાર અમલીકરણ સાધન છે. તે અમેરિકી સરકારને અન્ય દેશોની વેપાર નીતિઓ તપાસવાની અને જો તે નીતિઓ અમેરિકી વેપાર માટે પક્ષપાતી કે બોજારૂપ હોય, તો વળતો પ્રહાર (Retaliatory measures) કરવાની સત્તા આપે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સાધનનો ઉપયોગ કરીને એવા ટેરિફ ફરી લાગુ કરવા માંગે છે જે અગાઉ અદાલતો દ્વારા અસંવિધાનિક જાહેર કરાયા હતા.
ભારત માટે પડકાર: USTR નો આક્ષેપ છે કે ભારત જબરદસ્તી શ્રમથી બનેલા સામાનને અટકાવવામાં અસરકારક નથી, જે અમેરિકાના વેપાર પર બોજ સમાન છે. બીજી તરફ, ભારતે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને અમેરિકાને જણાવ્યું છે કે આ મુદ્દાઓને એકતરફી પગલાં લેવાને બદલે ચાલુ વેપાર વાટાઘાટો દ્વારા જ ઉકેલવા જોઈએ.
આગામી સમય: આ ટેરિફ તરત જ લાગુ થશે નહીં. 6 જુલાઈ સુધી લોકો પાસેથી સૂચનો અને ટિપ્પણીઓ માંગવામાં આવી છે, ત્યારબાદ 7 જુલાઈથી જાહેર સુનાવણી શરૂ થશે. જેમિસન ગ્રીરે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકી શ્રમિકોને વૈશ્વિક સ્તરે અસમાન સ્પર્ધામાં ઉતરવા માટે મજબૂર કરી શકાય નહીં.
