કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે ભારતનું કદ વધ્યું છે. તેમણે કહ્યું કે પહેલા ભારતની વાતને ગંભીરતાથી લેવામાં નહોતી આવતી પરંતુ આજે જ્યારે ભારત કંઈક બોલે છે તો આખી દુનિયા તેને કાન ખોલીને સાંભળે છે. તેમણે કહ્યું કે આજે દેશની પ્રતિષ્ઠા કેટલી વધી છે તેનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પીએમ મોદીને બોસ કહે છે અને અમેરિકન રાષ્ટ્રપતિ પણ માને છે કે પીએમ મોદી વૈશ્વિક સ્તરે શક્તિશાળી નેતા છે અને તેઓ તેમનો ઓટોગ્રાફ લેવાની ઈચ્છા પણ વ્યક્ત કરી ચૂક્યા છે.
રાજનાથ સિંહ લખનૌની ત્રણ દિવસની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે જ્યારે આપણા વડાપ્રધાન અન્ય દેશોની મુલાકાતે જાય છે ત્યારે તમે ટીવી પર જુઓ કે ત્યાં તેમનું કેટલું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે. રાજનાથે કહ્યું કે પીએમ મોદીને મુસ્લિમ દેશોમાં પણ સમાન સન્માન મળે છે. વડા પ્રધાનની પાપુઆ ન્યુ ગિનીની મુલાકાતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ત્યાંના પીએમ પણ મોદીજીના ચરણ સ્પર્શ કરવા આગળ આવ્યા હતા જે દરેક ભારતીય માટે એક સન્માનની વાત છે. તેમણે વધુમાં કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા ઘણી વધી છે અને જે રીતે આજે દેશની વાત સાંભળવામાં આવે છે તેવુંપહેલા ન હતું. અગાઉ આંતરરાષ્ટ્રીય મંચો ભારતની વાતને ગંભીરતાથી લેવામાં નહોતી આવતી પરંતુ આજે જ્યારે ભારત બોલે છે ત્યારે આખી દુનિયા ધ્યાનથી સાંભળે છે. સિંહે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. ૨૦૧૩-૧૪માં ભારત ૧૧મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી પરંતુ આજે તે વિશ્વમાં પાંચમા નંબર પર છે.
આ દરમિયાન રાજનાથે એ પણ કહ્યું કે બ્રહ્મોસ મિસાઈલ લખનૌમાં બનાવવામાં આવશે અને તેનાથી મોટા પાયે રોજગાર વધશે. આ સિવાય મિસાઈલ લઈ જવા માટે ખાસ રેલવે ટ્રેક પણ તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે લખનૌમાં ૧૦૦ જિમ પાર્ક બનાવવામાં આવ્યા છે અને સરકારની ૫૦૦ ઓપન જિમ બનાવવાની યોજના છે. આ સાથે અહીં ૪૦ કરોડના ખર્ચે કોમ્યુનિટી-કમ-ઓલ્ડ એજ કેર સેન્ટર પણ બનાવવામાં આવશે.
