ઈન્ડિગોએરલાઈન્સની મુંબઈ-રાંચી ફ્લાઈટમાં ગઈકાલે મોડી રાત્રે એક મુસાફરની તબિયત અચાનક લથડી હતી. તેને ફ્લાઈટની અંદર લોહીની ઉલટી થવા લાગતા ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અને તાત્કાલિક મુસાફરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું હતું. મૃતકની ઉંમર ૬૨ વર્ષની હોવાનું જાણવા મળી છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ મુસાફર ટ્યુબરક્યુલોસિસ અને ક્રોનિક કિડની ડિસીઝથી પીડિત હતો. તેને પ્લેનમાં લોહીની ઉલ્ટી થવા લાગી હતી. આ પછી તેનું મૃત્યુ થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો છે. જરૂરી તબીબી પ્રક્રિયાઓ અને ક્લિયરન્સ પછી, ઇન્ડિગો ફ્લાઇટ સફળતાપૂર્વક નાગપુરથી રાંચી સુધીની મુસાફરી ફરી શરૂ કરી હતી. મુસાફરની ઓળખ દેવાનંદ તિવારી તરીકે થઈ છે. આ ઘટના મુંબઈથી રાંચી જતી ઈન્ડિગોએરલાઈન્સની ફ્લાઈટ નંબર ૬ઈ ૫૦૯૩માં બની હતી. આ પછી નાગપુરના ડો. બાબાસાહેબ આંબેડકર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, પરંતુ સારવાર પહેલા જ મુસાફરનું મોત થઈ ગયું હતું.
આ પહેલા ૧૭ ઓગસ્ટે નાગપુર એરપોર્ટ પર એક પાયલટનું ટેકઓફ પહેલા મોત થયું હતું. પાયલોટ ઈન્ડિગોએરલાઈન્સનો હતો. તેમનું નામ હતું કેપ્ટન મનોજ સુબ્રમણ્યમ હતું. તે નાગપુરથી પુણેની ફ્લાઈટ પકડવા જઈ રહ્યો હતો પરંતુ એરપોર્ટના બોર્ડિંગ ગેટ પાસે તે અચાનક પડી ગયો અને તેનું મોત થઈ ગયું. પ્રારંભિક અહેવાલો અનુસાર તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું. આ ઘટના બાદ એરપોર્ટ પર સનસનાટી મચી ગઈ હતી.