મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણે ચિંતા વધારી દીધી છે. સરકારે અનેક જગ્યાએ લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવો પડ્યો. મુંબઈમાં પણ સ્થિતિ સારી નથી. સરકાર લોકડાઉન કે નાઈટ કરફ્યૂ જેવા આકરા નિર્ણય પર વિચાર કરી રહી છે.
ઉદ્ધવ ઠાકરે સરકારમાં કેબિનેટ મંત્રી અસલમ શેખે કહ્યું કે મુંબઈમાં જે રફતારથી કોવિડ-19ના કેસ વધી રહ્યા છે તે જોતા નાઈટ કરફ્યૂ કે કેટલાક વિસ્તારોમાં લોકડાઉનની શક્યતાઓને નકારી શકાય નહીં. વિધાન ભવન પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા અસલમ શેખે કહ્યું કે અધિકારીઓને લોકડાઉન પર નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે એટલે કે અધિકારી પોતાની સમજથી લોકડાઉન પર નિર્ણય લઈ શકે છે.
મંત્રી અસલમ શેખે કહ્યું કે જો કોવિડ-19 સંક્રમણની ઝડપ આ રીતે ચાલુ રહી તો શહેરમાં નાઈટ ક્લબો બંધ થવાની શક્યતા છે. અમે નાઈટ કરફ્યૂ કે આંશિક લોકડાઉનની સંભાવનાથી ઈન્કાર કરી શકીએ નહીં. શેખે કહ્યું કે કોરોના પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. માસ્ક ન પહેરનારાઓ પર કાર્યવાહી થઈ રહી છે. તેમણે કહ્યું કે ગેટવે ઓફ ઈન્ડિયા અને સમુદ્ર તટો પર લોકોની અવરજવર રોકી દેવાઈ છે.
અત્રે જણાવવાનું કે મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી સતત દરરજોના 1000થી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. અધિકૃત આંકડા મુજબ મુંબઈમાં અત્યાર સુધીમાં 3,34,583 કોવિડ કેસ સામે આવ્યા છે. કોરોનાથી 11508 લોકોના મોત થઈ ચૂક્યા છે.
દેશમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15,388 કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,08,99,394 પર પહોંચ્યો છે. જેમાંથી 1,87,462 લોકો હજુ સારવાર હેઠળ છે. જ્યારે 1,08,99,394 લોકો સાજા થઈ ગયા છે. કોરોનાથી એક જ દિવસમાં 77 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,57,930 પર પહોંચ્યો છે.