અમદાવાદમાં કોરોનાનો ડર અને નાગરિકોમાં રાજકિય પક્ષોના અંદરો-અંદરના ઝઘડાઓ તેમજ ખેંચતાણના લીધે પેદા થયેલી ઉદાસિનતાના કારણે ચૂંટણીમાં મતદાન ઓછું થવાની ધારણા સાચી પડી છે.
કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદમાં પ્રેરક હાજરી હોવા છતાં લોકોને ઘરની બહાર કાઢી મતદાન મથક સુધી પહોંચાડવામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ મહ્દઅંશે નિષ્ફળ ગયા છે. પેજ પ્રમુખ અને બૂથ મેનેજમેન્ટની ગુલબાંગો પહેલી વખત પોકળ સાબિત થઇ છે. સાંજના છ વાગ્યા સુધીમાં માત્ર 38.73 ટકા મતદાન થયું છે, જે ગુજરાતના અન્ય શહેરો સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર કરતાં પણ નીચું છે.
કોંગ્રેસના ચુસ્ત ગણાતા વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક મતદારોને ઘરની બહાર કાઢવા ઉમેદવારોએ રીક્ષાઓ દોડાવવી પડી હતી. સાંજે જાહેર કરાયેલી ટકાવારીમાં આંશિક ફેરફારની સંભાવના છે. આ સંજોગોમાં નહીં ધારેલાં પરિણામો આવવાની ભીતિએ બન્ને પક્ષના ઉમેદવારોની ઊંઘ ઊડાડી દીધી છે.
ગઇ ચૂંટણીમાં સરેરાશ 48 વોર્ડની 192 બેઠકો માટે 46.51 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 142 અને કોંગ્રેસને 50 બેઠકો મળી હતી. હાલની ચૂંટણીમાં 60 વર્ષથી મોટી વયના અને ત્રણ ટર્મ થઇ ગઇ હોય તેવા કોર્પોરેટરો સહીત 104 કોર્પોરેટરોના નામો કાપીને ભાજપના મોવડી મંડળે ઈતિહાસ સર્જ્યો હતો. કપાયેલા કોર્પોરેટરોની નારાજગી અને નિષ્ક્રીયતાએ પણ ઓછા મતદાનની બાબતમાં ઉમેરો કર્યો હતો.
192 બેઠકોની ગઇ ચૂંટણીમાં ગોતા, ચાંદલોડિયા, સાબરમતી, ઘાટલોડિયા, રાણીપ, નવાવાડજ, થલતેજ, નવરંગપુરા, સ્ટેડિયમ, નરોડા, કુબેરનગર, અસારવા, શાહીબાગ, બોડકદેવ, જોધપુર, નિકોલ, ઠક્કરબાપાનગર, ખાડિયા, પાલડી, વાસણા, વેજલપુર, મણીનગર, ઓઢવ, વસ્ત્રાલ, ઈન્દ્રપુરી, ભાઇપુરા,ખોખરા, ઈસનપુર, વટવા, વગેરે વોર્ડમાં ભાજપના ચારે ચાર ઉમેદવારોની પેનલો વિજયી થઇ હતી.
જ્યારે કોંગ્રેસની બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, અમરાઇવાડી, દરિયાપુર, જમાલપુર, મકતમપુરા, ઈન્ડિયા કોલોનીમાં કોંગ્રેસની આખી પેનલો ચૂંટાઇ હતી. આ વખતે ગઇ ચૂંટણીના 46.51 ટકા મતદાન સાથે 7.78 ટકા ઘટીને માત્ર 38.73 ટકા જ નોંધાતા અનેક પેનલો આ વખતે તૂટશે તેવી સ્થિતિ પેદા થઇ છે.
ભાજપે નક્કી કરેલો 175 બેઠકોના લક્ષ્યાંકની નજીક પણ પક્ષ પહોંચી શકશે નહીં, તેવું સ્પષ્ટ ચિત્ર ઊભું થયું છે. નવા ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવાની તા. 8મી ફેબુ્રઆરીથી 21મીએ મતદાન વચ્ચે બહુ જ ઓછો સમય રહ્યો હોવાથી, નવા ઉમેદવારો તમામ સોસાયટીઓ સુધી પહોંચી શક્યા નથી.