પૂર્વ રેલ મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા દિનેશ ત્રિવેદીએ રાજ્યસભામાં બજેટ ચર્ચા દરમિયાન પોતાના રાજીનામાંની જાહેરાત કરી છે. એવી અટકળો વહેતી થઈ છે કે, ત્રિવેદી જલ્દી જ ભાજપમાં જોડાઈ શકે છે. જો કે, તેમણે હજી ભાજપમાં જોડાવાની વાતનો સ્વિકાર પણ નથી અને ઈનકાર પણ નથી કરી રહ્યા.
ટીએમસીમાંથી રાજીનામું આપ્યા બાદ ટીએમસી નેતા દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, હું ખૂબ ભાવુક છું અને દેશ હંમેશા સર્વોપરી રહ્યો છે જે મેં સંસદમાં કહ્યું તે જ હકીકત છે. આજે આખી દનિયા ભારત તરફ જોઈ રહી છે અને અમારા ત્યાં આટલું કઠોર, આટલી કડવાશ, બંગાળમાં આટલી હિંસા છે, તો અમે અહીંયા બેસીને કઈ રીતે પોતાના આત્મા સાથે સમજૂતી કરી શકીએ.
પૂર્વ રેલમંત્રી દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, દેશ માટે ભાવુક મારો નિર્ણય હતો અને હું ખુશ છું કે, સ્વામી વિવેકાનંદ અને ગુરુજનની પ્રેરણા મળી છે. અમે પાર્ટીથી પર છીએ અને પાર્ટીમાં રહેતા તો અનુશાસનને માનવું પડતું. અમે કંઈ કહી પણ ન શકત અને કોઈ સાંભળવા વાળુ પણ ન હોત. મમતાજી પ્રત્યે મારો આદર છે અને રહેશે. રેલમંત્રી હતો ત્યારે પણ મેં દેશની જ વાત કરી હતી.
ભાજપમાં જોડાવાની અટકળો પર ત્રિવેદીએ કહ્યું કે, હું હજી મારી જાત સાથે જોડાયેલો છું, હું મારી અંતરઆત્મા સાથે છું, જો હું લેવડ-દેવડની વાત કરીશ તો હું મારી નજરમાં નાનો બની જઈશ.
વધુમાં તેમણે કહ્યું કે, હવે માત્ર ઔપચારિકતા છે, મેં રાજ્યસભાના સભાપતિને રાજીનામું આપ્યું છે. ચૂંટણીમાં મમતાજી પર શું અસર થશે તે મને નથી ખબર પરંતુ બંગાળમાં હિંસા ન થવી જોઈએ.
દિનેશ ત્રિવેદીના ભાજપમાં જોડાવાના પ્રશ્ન પર પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, મને લાગે છે કે દિનેશજીએ પહેલા જ ખૂબ મોડુ કરી દિધું છે. કારણ કે મારી એક વર્ષ પહેલા જ વાત થઈ હતી. કોઈપણ સ્વાભીમાની વ્યક્તિ ટીએમસીમાંથી રાજીનામું આપી જ દેશે. દિનેશજીએ ભાજપમાં જોડાવાની વાત હજી સુધી કહી નથી.