શહેરના મણિનગરના રહેવાસી જીગર મોદી સહિત પાંચ લોકો હરિદ્વારથી કેદારનાથ કાર લઇને જઇ રહ્યા હતા. આ દરમિયાન ફાટા વિસ્તારમાં ભૂસ્ખલન થયુ હતુ. જેમાં આ કારમાં સવાર પાંચ લોકોનાં મોત થયા હતા. જેમાં ત્રણ ગુજરાતીઓનાં મોત થયાના સમાચાર મળી રહ્યા છે. ગુરુવારે રાત્રે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ભૂસ્ખલન થયુ હતુ. જેના કાટમાળ નીચે કેદારનાથ જઈ રહેલી એક કાર કચડાઈ ગઇ હતી. આ દુર્ઘટનામાં ગુજરાતના ત્રણ સહિત કુલ પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. ગુપ્તકાશી-ગૌરીકુંડ ધોરીમાર્ગ પર ફાટા નજીક તરસાલી ખાતે ભૂસ્ખલન થયું હતું.
જેનાથી માર્ગનો ૬૦ મીટરનો વિસ્તાર ધોવાઈ ગયો હતો. શ્રદ્ધાળુઓ એક કારમાં કેદારનાથના પવિત્ર મંદિર જઇ રહ્યા હતા. આ દરમિયાન કાર ફાટા અને સોનપ્રયાગ વચ્ચેના પર્વત પરથી પડતા પથ્થરો નીચે પડતા કાર કચડાઇ ગઇ હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ધોધમાર વરસાદના કારણે કામમાં અવરોધ ઊભો થયો હતો. શુક્રવારે જ્યારે હવામાન ચોખ્ખું થઈ ગયું ત્યારે પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે, મૃતકોની યાદીમાં ગુજરાતનાં જીગર આર મોદી, મહેશ દેસાઈ, પરીખ દિવ્યાંશનાં નામ સામેલ છે, આ સાથે હરિદ્વારના મિન્ટુ કુમાર અને મનીષ કુમારના પણ મોત થયા છે. નંદન સિંહ રાજવર રુદ્રપ્રયાગ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શુક્રવારે બચાવ કામગીરી ફરી શરૂ કરીને ભૂસ્ખલનના કાટમાળમાંથી સ્વિફ્ટ ડિઝાયર કાર અને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.