વડોદરા જિલ્લામાં લગ્નેતર સંબંધોનો કરૂણ અંજામ આવ્યો હોવાનો કિસ્સો બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરા નજીક ડેસર તાલુકાના રાતડીયા ગામે રહેતા સંગીતાબેન ચૌહાણે પોલીસને કહ્યું છે કે મારા પતિ ગોપાલસિંહ ચૌહાણ સાપિયા ગામે રહેતી યુવતી પરિણીતા સાથે આડો સંબંધ ધરાવતા હોવાથી અવારનવાર ઝઘડા થતા હતા.
પરિણીતાના પિતાએ પણ મારા પતિને મારીને કેનાલમાં નાખી દેવાની ધમકી આપી હતી. ગઈ તા.૭મી માર્ચે રાત્રે મારા પતિ ખેતરમાં પાણી ચાલુ કરવાના નામે બાઇક લઇને નીકળ્યા હતા પરંતુ ત્યારબાદ તેમનો કોઇ જાણ નહી લાગતા તપાસ કરી હતી.
સંગીતાબેને પોલીસને કહ્યું છે કે,મારા પતિ ગોપાલસિંહ તેની પ્રેમિકાને મળવા સાપિયા ગામે મહિલાની સાસરીમાં ગયા તે દરમિયાન રંગે હાથે પકડાઈ ગયા હોવાની તેમજ મહિલાના દિયર તેમજ મહિલાના પિતાએ મારા પતિની હત્યા કરી હોવાની જાણ થઈ છે. ઉપરોક્ત બનાવો અંગે ડેસર પોલીસે વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેતા ફાયર બ્રિગેડે વાલાવાવ ચોકડી પાસે કેનાલમાં શોધખોળ શરૂ કરી છે.