ફેસબુક અને ઓસ્ટ્રેલિયાની સરકાર વચ્ચે વિવાદ વકરી રહ્યો છે. ફેસબુકે ઓસ્ટ્રેલિયામાં ન્યૂઝ અનેઇમરજન્સી સેવાઓની પોસ્ટ પર પ્રતિબંધ મૂકી દીધો પછી ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરીને તેમની મદદ માંગી છે. મોરિસને વડા પ્રધાન મોદી સાથે ફોન પર વાત કરીને જણાવ્યું હતું કે,’ તેઓ વિશ્વને બદલી રહ્યા છે, પરંતુ તેનો અર્થ એ નહીં કે તેઓ હવે વિશ્વને ચલાવશે પણ. અમે મોટી ટેક કંપનીઓની આ ધમકીઓથી ડરવાના નથી. તેઓ અમારી સંસદ પર દબાણ વધારવા પ્રયાસ કરી રહ્યા છે કેમ કે અમે મહત્ત્વના ન્યૂઝ મીડિયા બાર્ગેનિંગ કોડ પર મતદાન કરવા જઈ રહ્યા છીએ.
કેનેડાએ પણ ફેસબુક ઇન્કને તે ન્યૂઝ કન્ટેન્ટ માટે ચુકવણી કરવા ફરજ પાડશે તેવી પ્રતિબદ્ધતા જાહેર કરી છે. ઓસ્ટ્રેલિયામાં બન્યું તેમ ફેસબુક જો દેશના સમાચારોને પ્રતિબંધિત કરી દે તો પણ ફેસબુક સામેના જંગમાં ઘૂંટણિયે ના પડવા કેનેડાએ હાકલ કરી હતી. કેનેડાના હેરિટેજ પ્રધાન સ્ટિવન ગુલબોલ્ટે ફેસબુકે ઓસ્ટ્રેલિયા સામે લીધેલા પગલાંની આલોચના કરતાં જણાવ્યું હતું કે આવા પગલાંથી ઓટ્ટાવા ડરશે નહીં.