ઉત્તરપ્રદેશના હાથરસના નોજરપુર ગામમાં પુત્રી સાથે છેડતી થયાની ફરિયાદ નોંધાવનાર પિતાની સોમવારે સાંજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે આરોપી છેડતીનો કેસ પાછો ખેંચવા માટે પીડિત પરિવાર પર દબાણ કરી રહ્યો હતો. મૃતકની પુત્રીએ 6 લોકો સામે કેસ દાખલ કરાવ્યો છે; તેમાંથી એકની ધરપકડ કરી લેવામાં આવી છે. પીડિત પરિવારનો આરોપ છે કે ગૌરવ સપા સાથે જોડાયેલો છે.
પીડિતા પરિવારજનોએ તમામ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું, પરંતુ પોલીસના સમજાવ્યા બાદ પરિવાર સંમત થયો હતો. પિતાની નનામીને પુત્રીએ કાંધ આપી હતી. આ જોઈને ત્યાં હાજર દરેકની આંખો આંસુથી છલકાઈ હતી.
મૃતક અમરીશ (52)ના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે આરોપી ગૌરવ સાથે તેમના પરિવારની જૂની દુશ્મનાવટ ચાલી રહી હતી. સોમવારે અમરીશની પુત્રી અને આરોપી ગૌરવની પત્ની-માસી ગામના મંદિરે પૂજા કરવા ગયાં હતાં; ત્યાં આ મહિલાઓ વચ્ચે ઝગડો થયો હતો.
સાંજે અમરીશ પોતાના ખેતરમાં બટાકા કાઢી રહ્યો હતો. તેની પત્ની પુત્રી સાથે ભોજન લઈને ખેતરે પહોંચી હતી. આ દરમિયાન આરોપી ગૌરવ પોતાના ત્રણ મિત્રો સાથે ત્યાં આવી પહોંચ્યો અને અમરીશ પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ઘાયલ અમરીશને સારવાર માટે હાથરસ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
એસપી વિનીત જયસ્વાલના જણાવ્યા પ્રમાણે, અમરીશે 16 જુલાઈએ ગામમાં જ ગૌરવ શર્મા સામે પુત્રી સાથે છેડતી કર્યાની ફરિયાદ દાખલ નોંધાવી હતી. આ મામલામાં ગૌરવ 15 દિવસ સુધી જેલમાં રહ્યો હતો. જામીન પર બહાર આવ્યા બાદ તે અમરીશ પર કેસ પાછો ખેંચવા માટે દબાણ કરી રહ્યો હતો.
UPના પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખ્હિલેશ યાદવે આ ઘટનાને લઈને યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું- ‘રામરાજ્ય લાવનારાના રાજમાં દીકરીઓ સુરક્ષિત નથી અને મુખ્યમંત્રી બંગાળમાં ફરી રહ્યા છે. હાથરસની પીડિત પુત્રીને મળવા સપાનું એક પ્રતિનિધિમંડળ મોકલવામાં આવશે. હું સ્વયં તે પુત્રી સાથે મુલાકાત માટે જઈશ.’ આ તરફ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આરીપીઓ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (રાસુકા) લગાવવા અને કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.