સિંગતેલના ભડકે બળતા ભાવ મુદ્દે વિધાનસભા ગૃહમાં હંગામો મચ્યો હતો. વિપક્ષે એવો સવાલ ઉઠાવ્યો હતોકે,મગફળીનું વિપુલ ઉત્પાદન થયુ છે.મગફળીની નિકાસ થઇ રહી છે તો પછી સિંગતેલના ભાવ ઘટવાને બદલે કેમ વધી રહ્યાં છે.
વિપક્ષના ધારાસભ્યએ ખુલ્લો આક્ષેપ કર્યો હતોકે, ખેડૂતોને મગફળીના પુરતા ભાવો મળતા નથી. લોકોને તેલના બમણાં ભાવ ચૂકવવા પડે છે અને સરકારની મહેરબાનીથી તેલિયારાજા ધૂમ નફાખોરી રહ્યા છે. વિપક્ષના ધારાસભ્યોએ સસ્તા દારૂ,મહંગા તેલના સૂત્રોચ્ચાર કરી ગૃહને ગજવી મુક્યુ હતું.
પ્રશ્નોતરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ સવાલ ઉઠાવ્યો હતોકે, સિંગતેલના ભાવો ભડકે બળી રહ્યાં છે ત્યારે સરકાર શું પગલાં લેવા માંગે છે.તેમણે એવો ય ટોણો માર્યો કે, આ પ્રશ્ન ગૃહમાં બેઠેલા બધાય ધારાસભ્યોને સ્પર્શ તેવો છે.
આ પ્રશ્ન મુદ્દે વિપક્ષે સરકારને બરોબરની ઘેરી હતી . ધારાસભ્ય શૈલેષ પરમારે તો એવો આરોમ મૂક્યો હતોકે, વર્ષ 2019માં જાન્યુથી ડિસેમ્બર સુધી સિંગતેલના ડબ્બા પર રૂા.97 ભાવ વધારો થયો હતો. વર્ષ 2020માં જાન્યુ.થી ડિસેમ્બર સુધી રૂા.650નો વધારો થયો હતો.
ટૂંકમાં આજે તેલના ડબ્બાનો ભાવ રૂા.2500 સુધી પહોંચ્યો છે. એક તરફ સરકાર એવી બડાઇ હાંકે છેે,આ વર્ષે ગુજરાતમાં વિપુલ મગફળીનુ ઉત્પાદન થયુ છે. વિદેશમાં મગફળી નિકાસ કરવામાં આવી રહી છે પણ પ્રશ્ન એછેકે, જો મગફળીનુ ધુમ ઉત્પાદન થયુ હોય તો,તેલ સસ્તુ હોવું જોઇએ તેના બદલે તેલના ભાવ આસમાને પહોંચ્યાં છે.
ધારાસભ્ય અમિત ચાવડાએ પણ સરકાર પર નિશાન તાકતાં એવો આક્ષેપ કર્યો કે, ચૂંટણી આવે એટલે અબકી બાર,મોદી સરકાર ેજેવા સારા સૂત્રો આપીને મતદારોને ભરમાવો છો પણ ખેડૂતોને મગફળીના ભાવ પુરતા મળતા નથીને, લોકોને તેલના ભાવ બમણાં ચૂકવવા પડે છે જયારે સરકારની મહેરબાની થી તેલિયા રાજા ધૂમ નફાખોરી કરી રહ્યાં છે.
આ આક્ષેપ કરતાં જ ભાજપના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. સામે છેડે કોંગ્રેસના ધારાસભ્યોએ સસ્તા દારૂ,મહંગા તેલના સુત્રો પોકારી હંગામો મચાવ્યો હતો. લગભગ 20 મિનિટ સુધી તેલના ભાવ વધારાને લઇને વિપક્ષ-સરકાર આમને સામને આવી હતી. સમગ્ર પ્રશ્ન દરમિયાન અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા તેલના ભાવ વધારાને લઇને કોઇ જવાબ આપી શક્યા ન હતાં.
તેમણે મગફળીની ખરીદીના મુદ્દે ગોળગોળ વાતો કરીને વિપક્ષનો રોષ ઠારવા પ્રયાસ કર્યો હતો.નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પણ સરકારનો બચાવ કરવા ચર્ચામાં કુદવુ પડયુ હતું પણ તેઓ પણ તેલના ભાવ વધારાને લઇને ચોક્કસ તારણ રજૂ કરી શક્યા ન હતાં. આખરે પ્રશ્નોતરી કાળનો સમય પૂર્ણ થતા મામલો શાંત પડયો હતો.
નીતિન પટેલે હાથ ખંખેર્યા, કોંગ્રેસને શીખ આપી, તમે કાર્યવાહી કરોને…
સિંગતેલના ભાવ વધારા મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાણે હાથ ખંખેરી લીધા હતાં અને કોંગ્રેસને એવી શીખ આપીકે, આમ તો,ચૂંટણી સાથે કરાવો, વિવિધ મુદ્દે કોર્ટમાં જાઓ છો. બધુ સરકાર જ કરે, તમે તેલિયા રાજા સામે કાર્યવાહી કરોને.કોંગ્રેસે ભાજપના રાજમાં તેલિયારાજા બેફામ બન્યા છે અને ધૂમ નફાખોરી કરી રહ્યાં છે તેવો આક્ષેપ કરતાં નીતિન પટેલે સરકાર કાર્યવાહી કરશે તેવુ કહેવાને બદલે વિપક્ષને કોર્ટમાં જવા સલાહ આપી હતી.