ઈંગ્લેન્ડની ટીમ આમ પણ ભારતીય સ્પિનરોને રમવામાં નબળી છે. બેટ્સમેનોમાં રૂટને બાદ કરતા એકપણ બેટસમેન એવો નતી જે વિશ્વની કોઈપણ ટીમમાં સ્થાન મેળવી શકે. બેન સ્ટોક્સ વર્તમન ક્રિકેટનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે પણ તેની બેટિંગમાં સાતત્ય નથી. તે જે તે દિવસે રમે ત્યારે મેચ વિનિંગ હોય પણ બાકી તે સસ્તામાં આઉટ થઈજાય.
ભારતના સ્પિનરો આમ પણ વિશ્વમાં સૌથી ચડિયાતા છે તેમાં પણ ભારતની ભૂમિ પર તો અચ્છી અચ્છી ટીમ ધૂળ ચાટતી થઈ ગઈ છે. એક જમાનામાં ઈંગ્લેન્ડ પાસે ગૂચ, ગેટિંગ, ગોવર, લેમ્બ અને બોથમ જેવા બેટ્સમેનો હતા. હવે એકાદ બેટસમેન જ તેવો ઉત્કૃષ્ટ છે. એથરટોન, માઈકલ વોન, થોર્પ, નાસીર હુસેન, સ્ટ્રોસ, ટ્રોટ જે તે સમયે મજબુત હતા. આ ટીમમાં એકમાત્ર રૂટ છે જેને બાદ કરો તો ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ સામે પણ સંઘર્ષ કરે. એન્ડરસન, બ્રોડ ક્લાસ બોલર કહી શકાય.
રૂટ ૧૫૦ રનની ઈનિંગ રમે તો જ ઈંગ્લેન્ડના ૩૫૦ થાય તેવી ટીમ છે. અમદાવાદના પ્રેક્ષકોને બરાબરીનો જંગ હોય અને મજબુત બેટિંગ લાઈનઅપ હોય તો ટપોટપ વિકેટ પડે તો ગમે.
એક તો નબળી ટીમ અને ઉપરથી પહેલા જ દિવસથી સ્પિનરોને મદદ કરતી પીચ પુરવાર થઈ જે ટેસ્ટ મેચ માટેની સ્પોટિંગ પીચ ન કહેવાય. ઈંગ્લેન્ડે ત્રણ ફાસ્ટર રાખ્યા અને ભારતે ત્રણ સ્પિનર તેમાં જ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ પીચ પર પાંચ દિવસ મેચ ચાલશે તો ચમત્કાર કહેવાશે.
ભારત ભલે જીતે જ પણ બીજા, ત્રીજા દિવસે જે સ્પિનિંગ ટ્રેક કે સ્પોટ હોય તે પહેલા દિવસે જ જોવા મળ્યા. ઈંગ્લેન્ડની ટપોટપ પડતી વિકેટ પ્રેક્ષકોને રોમાંચ નહોતી આપતી. તેઓને લડાયક મુકાબલાની તલાશ હતી. અહં તો પ્રથમ ત્રણ કલાકની રમતમાં જ ઈંગ્લેન્ડે ફ્લોપ શો બતાવીને મેચ વહેલી સમેટાઈ જશે તેવા એંધાણ આપી દીધા છે.