વિદેશી રાજદ્વારીઓના પ્રવાસની વચ્ચે શ્રીનગરમાં આતંકવાદી હુમલો થયો છે. શ્રીનગરના સોનવર વિસ્તારમાં ફાયરિંગ થયું છે. હુમલો જ્યાં થયો છે ત્યાંથી એક કિલોમીટર દૂર વિદેશી રાજદ્વારીઓ રોકાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલામાં ડલ લેકની પાસે એક કર્મચારી ઇજાગ્રસ્ત થયો છે. મુસ્લિમ જાંબાજ ફોર્સ J&Kએ હુમલાની જવાબદારી લીધી છે. સુરક્ષાદળોએ મોરચો સંભાળી લીધો છે અને સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં એકવાર ફરી યૂરોપીય સંઘના પ્રતિનિધિ સમૂહ ટૂર પર પહોંચ્યા છે. યૂરોપ અને આફ્રિકાના લગભગ 20 રાજદ્વારીઓની ટીમ બુધવારના અહીં પહોંચી. પોતાના 2 દિવસીય પ્રવાસ દરમિયાન યૂરોપીય સંઘનું આ દળ 5 ઑગષ્ટ 2019ના આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરના વિકાસ કાર્યો વિશે જાણકારી મેળવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે યૂરોપીય સંઘનું ડેલીગેશન જમીની સ્તર પર લોકશાહીની સ્થિતિની માહિતી લઇ રહ્યું છે અને ડીડીસીના નવા ચૂંટાયેલા સભ્યો, કેટલાક પ્રમુખ નાગરિકો અને વહીવટી સચિવો સાથે બેઠક પણ કરશે.
યૂરોપીય સંઘના આ પ્રવાસ પર રાજકારણ શરૂ થઈ ગયું છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પહોંચેલા રાજદ્વારીના ડેલીગેશનમાં બ્રાઝીલ, ક્યૂબા, એસ્ટોનિયા, ફિનલેન્ડ, તાજિકિસ્તાન, ફ્રાન્સ, આયરલેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, યૂરોપીય સંઘ, બાંગ્લાદેશ, મલાવી, એરિટ્રિયા, કોટે ડી આઇવર, ઘાના, સેજલ, સ્વેદાન, ઇટાલી, મલેશિયા, બોલીવિયા, બેલ્જિયમ અને કિર્ગિસ્તાનના દૂત સામેલ છે.
ગુરૂવારના ડેલીગેશન સવારે 8:30 વાગ્યે બાદામી બાગ માટે રવાના થશે. પછી 9થી 10 વાગ્યા સુધી જીઓસી-15 કોરની સાથે બેઠક થશે. આ બેઠક બાદ ડેલીગેશન જમ્મુ માટે રવાના થશે. ડેલીગેશન બપોર 12.30 વાગ્યે ઉપરાજ્યપાલ મનોજ સિંહા સાથે મુલાકાત કરશે. પછી બપોરે 2.30થી 3.30 વાગ્યા સુધી જમ્મુ-કાશ્મીરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. પછી 3.30થી 4.30 વાગ્યા સુધી ડીડીસીના નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સિવિલ સોસાયટીની સાથે બેઠક થશે. આ બેઠક બાદ ડેલીગેશન દિલ્હી પાછું ફરશે.