ઉત્તરાખંડના ચમૌલીમાં ગ્લેશિયર તૂટ્યા બાદ આવેલી આપદાના કારણે ભારે તબાહી મચી છે. પૂર બાદ તપોવન ટનલમાં બે સુરંગોમાં મોટી સંખ્યામાં મજૂરો ફસાયા હતા. એક સુરંગથી તો મજૂરોને કઢાયા પરંતુ બીજી સુરંગમાંથી હજી તેમને બહાર કાઢવાના પ્રયત્નો થઈ રહ્યા છે. હવે એકવાર ફરીથી તપોવન ટનલમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
તપોવન ટનલમાં અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જેમાં રેસ્કયુ ઓપરેશન દરમ્યાન ટનલમાંથી પાણી નિકળવા લાગ્યું હતું. જેથી તત્કાલિક ધોરણે રેસ્કયુ ટીમ અને મશીનો બહાર નિકળી લેવામાં આવ્યાં હતાં અને રેસ્ક્યુ ઓપરેશન રોકવામાં આવ્યું હતું. પરંતુ હવે ફરીથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. મહત્વનું છે કે, 7 ફેબ્રુઆરીના રોજ ચમૌલીમાં આવેલા ગ્લેશિયરને કારણે 30થી વધુ લોકોના મોત નિપજ્યાં હતાં. જ્યારે હજુ 170થી વધુ લોકો લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
અલકનંદા નદીના જળસ્તરમાં અચાનક વધારો થઈ રહ્યો હતો, તેનું પાણી ટનલમાં ભરાઈ ગયું હતું, આ કારણે રેસ્કયુટીમને અડધો કિલોમીટર સુધી પાછળ લઈ જવામાં આવ્યા હતા, ત્યારે આ સ્થળ પર હાજર જિલ્લા અધિકારીઓનું કહેવું છે કે અમને હાલ નથી ખબર કે પાણીનું સ્તર કેટલું અને કઈ રીતે વધ્યું છે.
આ દુર્ઘટનામાં 204 લોકો ગુમ થયા હતા. જેમાંથી 32 લોકોના મૃતદેહ મળ્યા અને 10 ક્ષતિગ્રસ્ત માનવ અંગ મળી આવ્યા છે. 170 થી વધુ લોકો હજુ પણ લાપતા છે, જેમાંથી 30 થી 35 મજૂરો તપોવન પાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાય હોવાની આશંકા છે. જેમને બચાવવા માટે ચાર દિવસથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી આવેલ વિનાશ બાદ હવે સમગ્ર ધ્યાન રાહત કામગીરી પર કેન્દ્રિત છે. સૌથી મોટી મુશ્કેલી તપોવનની ટનલમાં આવી રહી છે. જ્યાં હજું પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. આ ટનલ કાદવથી ભરેલી છે. તેવામાં અંદર જવામાં ઘણી મુશ્કેલી આવી રહી છે, પરંતુ રેસ્ક્યૂ કરનારી ટીમ યુદ્ધ સ્તર પર મિશનમાં રોકાયેલી છે. રેસ્ક્યૂ ટીમમાં 600 થી વધુ લોકો કાટમાળને સાફ કરવા માટે સતત કામ કરી રહ્યા છે.