બંગાળ વિધાનસભા ચૂંટણી વચ્ચે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની રાજનીતિમાં એન્ટ્રીની અટકળો તેજ થઈ છે. આને લઇને સોમવારના સૌરવ ગાંગુલીએ એક ખાનગી ચેનલમાં ખાસ વાતચીત કરી. રાજકીય સફર શરૂ કરવાના પ્રશ્ન પર સૌરવ ગાંગુલીએ કહ્યું કે, જીવને મને અનેક અવસર આપ્યા છે. જોઇએ આગળ શું થાય છે. હવે હું સ્વસ્થ છું અને પોતાનું કામ શરૂ કરવા જઇ રહ્યો છું. વાતચીત દરમિયાન ગાંગુલીએ ક્રિકેટથી જોડાયેલા પ્રશ્નો પર જવાબ આપ્યા.
ઉલ્લેખનીય છે કે રવિવારના કોલકાતાના બ્રિગેડ મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ સામેલ થાય તેવી વાત કહેવામાં આવી રહી હતી, પરંતુ આ રેલીમાં સૌરવ ગાંગુલી સામેલ નહોતા થયા. સૌરવ ગાંગુલીને 2 જાન્યુઆરીના હાર્ટ એટેક આવ્યો હતો. ઘરના જીમમાં વર્કઆઉટ કરવા દરમિયાન ગાંગુલીને છાતીમાં દુ:ખાવો થયો હતો.
ત્યારબાદ પરિવારે તેમને તાત્કાલિક કોલકાતાની વૂડલેન્ડ્સ હૉસ્પિટલમાં એડમિટ કર્યા, જ્યાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને તેમના હ્રદયની નસોમાં સ્ટેંટ નાંખવામાં આવ્યા. 7 જાન્યુઆરીના સૌરવ ગાંગુલીને વૂડલેન્ડ્સ હૉસ્પિટલથી રજા મળી ગઈ હતી, પરંતુ 27 જાન્યુઆરીના સૌરવ ગાંગુલીની તબિયત એકવાર ફરી બગડી ગઈ. તેમને કોલકાતાની એપોલો હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જો કે હવે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને કામ પર પરત ફરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા જ બંગાળ બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષે સૌરવ ગાંગુલીના પાર્ટીમાં આવવાના પ્રશ્ન પર વાતચીત કરી હતી. સૌરવ ગાંગુલી પર દિલીપ ઘોષે કહ્યું કે, “સૌરવ ગાંગુલીને લઇને જે સમાચાર બનાવવામાં આવી રહ્યા છે તેમાં કોઈ દમ નથી. સૌરવ ગાંગુલીએ અત્યાર સુધી કંઈ નથી કહ્યું અને બીજેપીએ પણ નથી કહ્યું. જો તેઓ આવે છે તો સારું છે. પાર્ટીમાં જે પણ સામેલ થશે, અમે તેમનું સ્વાગત કરીશું, પરંતુ અત્યાર સુધી સૌરવ સાથે કોઈ વાતચીત નથી થઈ.”