સુરત: ઉગત કેનાલ રોડ વિસ્તારમાં રહેતી ભાણેજને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કર્યા બાદ તરછોડી દઇ બીજા લગ્ન કરી લેનાર ભુવાની રાંદેર પોલીસે ધરપકડ કરી છે. શહેરના અડાજણ વિસ્તારમાં 21 વર્ષીય યુવતી ના માતા-પિતાનો પરિચય મહોલ્લામાં જ રહેતા ભુવા બિપીન ગોવિંદ શોંધરવા સાથે પંદર વર્ષ અગાઉ થયો હતો અને હેમલતા બિપીનને મામા કહેતી હતી. હેમલતાની માતાનું 2004માં અવસાન થતા તેના પિતાએ 2005માં બીજા લગ્ન કર્યા હતા. પરંતુ સાવકી માતા સાથે મનમેળ નહીં હોવાથી હેમલતા મામા બિપીનને ત્યાં રહેવા ચાલી ગઇ હતી અને ત્યાં જ રહેતી હતી.
પત્ની પિયર જતા આચર્યું દુષ્કર્મ
દરમિયાનમાં બિપીનની પત્ની અનિતા તેના પિયર રહેવા ચાલી ગઇ હતી. આ દરમિયાનમાં બિપીને ભાણેજ હેમલતાને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. બિપીન હેમલતાને કહેતો હતો કે મામી અનિતા ચાલી ગઇ છે એટલે લગ્ન કરીશું તેવા વાયદા કરી શરીર સબંધ બાંધ્યા હતા. શરીર સબંધ બાંધ્યા બાદ જો કોઇને કહેશે તો મેલી વિદ્યાથી તારા પિતા અને ભાઇને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.
લગ્ન કરવાની આપી હતી લાલચ
પરંતુ ગત દિવસોમાં બિપીને અન્ય મહિલા સાથે લગ્ન કરી લેતા હેમલતાએ મામા બિપીન વિરૂધ્ધ દુષ્કર્મની નોંધાવેલી ફરીયાદ અંતર્ગત રાંદેર પોલીસે બિપીન સોંધરવાની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ભાણેજે દુષ્કર્મની ફરીયાદ નોંધાવતા બિપીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.