આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટને રાહત મળી છે. એવિએશન સેક્ટરના નિયમનકાર એવિએશન રેગ્યુલેટર ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ ગો ફર્લ્ડને ફ્લાઈટો શરૂ કરવા મંજુરી આપી દીધી છે. ડીજીસીએએ ગો ફર્સ્ટના રિઝોલ્યુશન પ્રોફેશનલ શૈલેન્દ્ર અજમેરાને પત્ર લખીને આ ર્નિણયની માહિતી આપી છે. ડીજીસીએએ જણાવ્યું કે, એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટે ૨૬ જૂનથી પોતાની સેવા ફરી શરૂ કરવાનો પ્લાન ડીજીસીએને સોંપ્યો હતો, જેના પર અભ્યાસ કરાયો છે અને આ અરજીને રેગ્યૂલટરે સ્વિકારી લીધો છે. ડીજીસીએએ કહ્યું કે, ગો ફર્સ્ટ ફરી શરતોના આધારે ફ્લાઈટ ઓપરેશન શરૂ કરી શકે છે. ડીજીસીએએ ગૉ ફર્સ્ટને શરતોમાં જણાવ્યું છે કે, એરલાઈન્સ પાસે હંમેશા ઓપરેટર સર્ટિફિકેટ હોવું જાેઈએ… ઉપરાંત ઓપરેશનમાં ઉપયોગમાં લેવાનારા એરક્રાફ્ટ ઉડ્ડયન કરવા માટે સારી સ્થિતિમાં હોવા જાેઈએ… હેન્ડલિંગ વગરના કોઈપણ ફ્લાઈટના એરક્રાફ્ટનો ઉપયોગ ન કરવામાં આવે.
એક રિપોર્ટ અનુસાર ગો ફર્સ્ટ પર બેંકોનું કુલ ૬૫૨૧ કરોડ રૂપિયા દેવું છે. એરલાઈન્સે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને રૂ.૧૯૮૭ કરોડ, બેન્ક ઓફ બરોડાને રૂ.૧૪૩૦ કરોડ, ડોએચે બેંકને રૂ.૧૩૨૦ કરોડ અને આઈડીબીઆઈબેંકને રૂ.૫૮ કરોડ ચુકવવાના બાકી છે. ગો ફર્સ્ટના ધિરાણકર્તામાં સામેલ એક બેંકના ટોચના અધિકારીએ જણાવ્યું કે, બિઝનેસ પ્લાન અને ઓપરેશન ફરી શરૂ કરવા માટે એરલાઈન્સને લગભગ ૪૦૦ કરોડ રૂપિયા અપાશે. ગો ફર્સ્ટે બીજી મેના રોજ જાહેરાત કરી હતી કે, તેણે નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી), દિલ્હીમાં અરજી દાખલ કરી છે. એરલાઇનના સીઈઓ કૌશિક ખોનાએ આ માહિતી આપી હતી. અગાઉ કંપનીએ કહ્યું હતું કે, ભંડોળની અછતને કારણે કંપનીએ ૩ અને ૪ મેની ફ્લાઈટ્સ રદ કરી રહી છે. એરલાઇન કંપનીનું કહેવું છે કે, ખામીયુક્ત એન્જિન (પ્રેટ એન્ડ વ્હિટની એન્જિન)ના સપ્લાયને કારણે તેની નાણાકીય સ્થિતિને અસર થઈ છે. ખરાબ એન્જિનોના કારણે કંપનીના ઘણા વિમાનો ઉડી શકવામાં સક્ષમ નથી.