દેશના ૫૦૮ રેલવે સ્ટેશનનોનું ભવિષ્ય જલદી બદલાશે, વડાપ્રધાન મોદીએ કાયાકલ્પ થનારા રેલવે સ્ટેશનનોનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું છે. દેશમાં અમૃત ભારત યોજના હેઠળ ૧૩૦૯ રેલવે સ્ટેશનોનો વિકાસ કરવામાં આવશે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરી રહ્યા છે, જેમાં તેમણે જણાવ્યું કે, ભારત, જે વિકસિત થવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે, તે પોતાના અમૃતકાળની શરુઆતમાં છે. નવી ઉર્જા, નવી પ્રેરણા અને નવો સંકલ્પ છે અને નવી ભાવનાઓ સાથે ભારતીય રેલવેનો ઇતિહાસમાં એક નવો અધ્યાય શરુ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતના લગભગ ૧૩૦૦ મુખ્ય રેલવે સ્ટેશન હવે અમૃત ભારત રેલવે સ્ટેશન તરીકે વિકસિત કરવામાં આવશે. જેમાં ૫૦૮ અમૃત ભારત સ્ટેશનના પુનર્નિર્માણનું કામ શરુ થઈ ગયું છે.
આ ૫૦૮ સ્ટેશનોના નવનિર્માણ પર લગભગ ૨૫ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ લાભ દેશના લગભગ તમામ રાજ્યોને મળશે. જેમકે ઉત્તરપ્રદેશના લગભગ ૪ હજાર કરોડના ખર્ચથી ૫૫ સ્ટેશનો વિકસિત કરવામાં આવશે. રાજસ્થાનમાં પણ ૫૫ રેલવે સ્ટેશન અમૃત ભારત રેલવે સ્ટેશન અંતર્ગત નવનિર્મિત થશે. મધ્યપ્રદેશમાં ૧૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચથી ૩૪ સ્ટેશનના કાયાકલ્પ થવાની છે. મહારાષ્ટ્રમાં ૪૪ સ્ટેશનના વિકાસ માટે દોઢ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, પાછલા કેટલાક વર્ષોમાં રેલવેમાં ઘણાં કામ થયા છે. પાછલા નવ વર્ષોમાં દક્ષિણ આફ્રિકા, યુક્રેન, પોલેન્ડ, યુકે અને સ્વીડન કરતા પણ વધુ રેલવે ટ્રેક બનાવાયા છે. તમે જે ગતિથી કામ થઈ રહ્યું છે તેની કલ્પના કરી શકો છો.
ભારતમાં આજે આધુનિક ટ્રેનોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આજે દેશનું લક્ષ્ય છે કે રેલવેની યાત્રા દરેક યાત્રા માટે, દરેક નાગરિક માટે સુલભ હોય અને સુખદ પણ હોય. પીએમએ કહ્યું કે,
વર્ષ ૨૦૧૪ પહેલા દેશમાં ૬૦૦૦થી ઓછા રેલવે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ હતા, જાેકે, હવે તે વધીને ૧૦,૦૦૦થી વધુ થઈ ગયા છે. જલદી તમામ રેલવે ટ્રેકને વિદ્યુતીકરણ કરી દેવામાં આવશે. પાછલા નવ વર્ષમાં સૌર પેનલથી વીજળી પેદા કરનારા સ્ટેશનોની સંખ્યા વધી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે રેલવેમાં જે રીતે કામ થયું છે, કોઈ પણ વડાપ્રધાનનું મન થાય કે તેનો ઉલ્લેખ ૧૫મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી કરે.
હવે ૧૫મી ઓગસ્ટ સામે છે તો મન બહુ કરે છે કે એ દિવસે આના પર ચર્ચા કરું. આજ આટલું વિરાટ આયોજન થઈ રહ્યું છે કે દેશના ખુણે-ખુણેથી લોકો જાેડાયા છે, માટે હું આટલા વિસ્તારથી ચર્ચા કરી રહ્યો છું.