અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગત વખત કરતાં ઓછુ મતદાન નોંધાયુ હતું. શહેરી મતદારોને જાણે ચૂંટણીમાં રસ જ રહ્યો ન હતો પરિણામે ચૂંટણીનો નિરસ માહોલ રહ્યો હતો. મહાનગરપાલિકાની ચૂંટણીમાં પેટ્રોલ-ડિઝલ ઉપરાંત રાંધણગેસનો ભાવ વધારો-મોંઘવારી જ નહીં,પણ બેરોજગારીનો મુદ્દો નડયો હતો.
આ ઉપરાંત કોરોનાના ડરને લીધે પણ મતદારોએ મતદાન કરવાનુ ટાળ્યુ હતું. મહત્વની વાત તો એછેકે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓછા મતદાનની ગંભીર નોંધ લીધી હતી અને વધુ મતદાન કરવા ભાજપને નેતાઓનેસૂચના આપવી પડી હતી. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચાર વખતે રેલીમાં ભાજપે જોરદાર શક્તિ પ્રદર્શન કર્યુ હતું. પણ મતદાનના દિવસે ચિત્ર કઇંક ઉલટુ જોવા મળ્યુ હતું. કોરોનાની પણ ચૂંટણી પર ખૂબ જ અસર વર્તાઇ હતી. વયસ્કો-મહિલા અને વૃધૃધ મતદારોએ તો મતદાન કરવાનુ જ ટાળ્યુ હતું. રખે ને કોરોના થઇ જશે તેવા ડરથી કેટલાય મતદારો મતદાન કરવાનુ માંડી વાળ્યુ હતું. મહારાષ્ટ્ર,છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કોરોનાએ ઉથલો માર્યો છે જેના કારણે ગુજરાતમાં તેની સીધી અસર જોવા મળી હતી.કોરોનાના ડરને લીધે અમદાવાદ જ નહીં, અન્ય શહેરોમાં ય મતદાન પર અસર જોવા મળી હતી. મતદારોનો જાણે છુપો ગુસ્સો ભાજપના સત્તાધીશો પર ફુટયો હોય તેવુ સ્પષ્ટ લાગ્યુ હતું.
આંખે ઉડીને વળગે તેવી વાત તો એ હતીકે, અમદાવાદ શહેરમાં ભાજપના ગઢ સમાન નારણપુરા, નવરંગપુરા, પાલડી, ગોતા, થલતેજ, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં ય આ વખતે નિરસ મતદાન રહ્યુ હતું. આ વિસ્તારોમાં 30થી માંડીને 38 ટકા સુધીનુ મતદાન નોંધાયુ હતું. રજાનો દિવસ હોવા છતાંય મતદારોએ મતદાન કરવાને બદલે ઘરમાં જ પુરાઇ રહેવાનુ મુનાસિબ માન્યુ હતું.
ભાજપે મતદારોને આકર્ષવા આ ચૂંટણીમાં લવ જેહાદ,રામમંદિર,370મી કલમ સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતાં પણ તે બિન અસરકારક નિવડયા હોય તેવુ સ્પષ્ટ જણાયુ હતું. શહેરી મતદારોનુ ઓછુ મતદાન ભાજપ માટે લાલ બત્તી સમાન છે તે જોતાં ભાજપના નેતાઓની ચિંતા વધી હતી. પશ્ચિમ વિસ્તારમાં ભાજપના બુથો સૂમસામ ભાસતાં હતાં.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પત્નિ,પુત્ર જય શાહ ઉપરાંત પુત્રવધુ સાથે મતદાન કર્યુ હતું. જોકે, બપોરના ત્રણ વાગ્યા સુધી 20 ટકા જ મતદાન થયુ હતું જેની ખુદ અમિત શાહે ગંભીર નોધ લીધી હતી. અમિત શાહે સૂચના આપતાં શહેર પ્રભારી આઇ.કે.જાડેજા સહિત ભાજપના ધારાસભ્યો-સાંસદો, નેતાઓ વોર્ડમાં દોડી ગયા હતાં અને મતદારોને મત આપવા રીતસર કાકલૂદી કરવી પડી હતી. ફોન કરીને વોર્ડ પ્રમુખોને આદેશ કરાયો હતો.
મહાનગરપાલિકાની ચૂંટણીમાં પેજ પ્રમુખ- પેજ સમિતી અણુબોમ્બ બની કોંગ્રેસનો સફાયો કરશે તેવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના દાવાનો પરપોટો ફૂટયો હતો. પેજ પ્રમુખની ફોર્મ્યુલા સદંતર નિષ્ફળ રહી હતી. ચૂંટણીમાં પેજ સમિતી જ ફેઇલ રહી હતી તેનુ કારણ એ હતુંકે, ભાજપના ગઢ સમાન વિસ્તારોમાં મતદાન ધીમુ જ નહીં, ઓછી ટકાવારી રહી હતી.
ઓછુ મતદાન થતાં અમિત શાહની સૂચનાથી પેજ પ્રમુખોને પણ ફોન કરીને મેદાને ઉતારવા પડયા હતાં પણ સિૃથતી એવી હતીકે, રીતસર કાકલૂદી કર્યા બાદ પણ મતદારોએ મતદાન કરવાનુ ટાળ્યુ હતું જેથી ભાજપના નેતાઓની ઉંઘ ઉડી ગઇ હતી. સી.આર.પાટીલની પેજ સમિતીનો ફિયાસ્કો થયો હતો.
એ સિવાય આ વખતે ભાજપના કેટલાંક સિનિયર નેતાઓની ટિકિટો કપાઇ છે આ બધાય નેતાઓ ચૂંટણીમાં નિષ્ક્રિય રહ્યા હતાં. મતદાનથી અળગા રહીન મતદારોએ ભાજપ પ્રત્યે છુપો અસંતોષ વ્યક્ત કર્યો હતો.